આચમનઃ ધર્મનો સ્તંભ: પ્રેમ-મહોબ્બત-ભાઈચારો…

અનવર વલિયાણી
ગુરુબાની નામે શીખોના સર્વોચ્ચ ધર્મગ્રંથમાં ગુરુ નાનકનું એક પદ છે. ના કોઈ બૈરી, નાહી બેગાના, સકલ સંગ હમ કો બન આઈ બિસર ગઈ સબ તાત પરાઈ… મારો કોઈ વેરી નથી, કોઈની સાથે વિખવાદ નથી. બધા મારા મિત્રો છે, કોઈ મારે માટે પરાયું નથી.
ઋગ્વેદના દસમાં કાંડના 192માં શ્લોકમાં કહ્યું છે કે, માનવ માત્ર પરસ્પર હળીમળીને રહે અને સૌ સાથે મળીને પરમની ઉપાસના કરે, તો અથર્વવેદના સાતમાં કાંડના બાવનમાં શ્લોકમાં કહ્યું છે કે, સૌ જનોની એકમતી સત્યમાં સધાઓ અને સૌ પોતપોતાનું કામ પ્રેમથી કરો. યજુર્વેદ સૌ જીવમાત્રમાં મૈત્રીની ભાવના વિકસે એવું કહે છે.
ઉપનિષદની વાત કરીએ તો કઠોપનિષદ મૈત્રીને સૂર્ય સાથે સરખાવતાં પ્રેમ વિના મૈત્રી શક્ય નથી એવો ઉપદેશ આપે છે. એજ રીતે છાંદોગ્ય ઉપનિષદના કહેવા મુજબ સુચારુ પ્રેમ સ્વર્ગનો માર્ગ છે. ઈશ ઉપનિષદ તો વળી `વસુધૈવ કુટુંબકમ્’ની વાત કરતાં કહે છે કે, આ જગત ઈશ્વરનું મકાન છે અને જીવમાત્ર એમાં અતિથિ છે માટે સૌ સાથે હળીમળીને રહો.
મનુસ્મૃતિમાં પોતાને વહાલા હોય એ સૌ સાથે સદ્ભાવ અને સદાચારથી રહેવાની ભાવના છે તો અમિસ્મૃતિમાં કહ્યું છે કે, પ્રેમ વિનાનો માનવ પશુ સમાન છે. પ્રેમ તો પશુમાત્રમાં હોય છે, તો માનવ પ્રેમવિહોણો શી રીતે હોઈ શકે? સબ સે ઊંચી પ્રેમ સગાઈ – શ્રીમદ્ ભાગવતમાં મહર્ષિ વ્યાસે પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા જ ગાયો છે. અતૂટ સ્નેહસંબંધ જ ભક્તિનું સ્વરૂપ છે, એમ જણાવી એમાં કૃષ્ણ સુદામાની કથા વર્ણવી છે.
જૈન ધર્મ માનસિક દ્વેષનો ત્યાગ કરવાનું કહેતા એનું કારણ સમજાવે છે- અપ્રિયતાનું કારણ માનસિક દ્વેષ છે. આપણે તો વિતરાગી થઈને જીવમાત્રને પ્રેમ કરવાનો છે. રખે કોઈને દુભવતા અહિંસા અને પ્રેમનું સાચું પ્રમાણ જ આ છે. કોઈને દુભવશો નહીં. પગ નીચે ઝીણી કીડી પણ ન આવી જવી જોઈએ. કીડીને પણ મારા તમારા જેટલો જ જીવવાનો હક છે.
બૌધ ધર્મ સંઘભાવનાનું મહત્ત્વ ગાય છે અને પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વિના સંઘભાવના શી રીતે શક્ય બને, પ્રેમ અને કરુણા દ્વારા જ સકલ વિશ્વને પોતાનું બનાવી શકાય એવી ભાવના બૌધ ધર્મની છે.
ઈસ્લામના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબ દ્વારા માનવજાતને મળેલા ધર્મગ્રંથ કુરાન કરીમમાં બહુ સરળ ભાષામાં સુંદર શિખામણો આપી છે. મા-બાપ, કુટુંબ, અનાથ, યતિમ, ફકીર, પડોશી, તમારી નિકટથી પસાર થનારાઓ, પ્રવાસીઓ, નોકરચાકરો, ગુલામો તથા બાંદીઓ આ બધા સાથે નેકી અને ઈમાનદારીથી વર્તો. નેકી દ્વારા અને સદ્વર્તન દ્વારા સૌના દિલને જીતી લ્યો. જે વ્યક્તિ આ માર્ગે ચાલશે તેના માર્ગમાં કદી કાંટા નહીં આવે. કાંટા હશે તો દૂર થઈ જશે.
પારસી પ્રજા તો જૂના જમાનાથી માયાળુ, દયાળુ અને પ્રેમાળ ગણાતી રહી છે. તેમના જરથોસ્તિ ધર્મના આદરણીય ગ્રંથ `અવસ્તા’માં જણાવ્યું છે કે, અન્ય જનોની તકલીફો દૂર કરીને અન્યને સુખ પહોંચાડનાર ઈન્સાન જ સત્યના માર્ગે છે. આવો મનુષ્ય સૌને પ્રેમ કરે છે અને સૌ આવા ઈન્સાનને ચાહે છે.
યહૂદી ગ્રંથ `તોરા’નો સાર શું છે? તારે આદરમાન જોઈતાં હોય તો તું પોતે બીજાનો આદર કરતાં શીખ. કોઈને માન આપ્યા વિના સામું માન મેળવી શકાતું નથી. પ્રમાણિક જીવન જીવ અને પ્રમાણિક જીવન મેળવ. વેરને શમાવી દે અને મૈત્રી તથા પ્રેમના પાયા પર મધુવન ખડું કર.
ચીનના તાઓ ધર્મમાં તો દરેક સદ્ગુણનું સન્માન થાય છે. ન્યાય, વિવેક, સૌજન્ય, સભ્યતા અને સુખ એ પાંચને મેળવવાનો એકમાત્ર માર્ગ પ્રેમ છે. આજ વાત ક્નફયુશિયસ નામના ચિંતકે જુદા શબ્દોમાં રજૂ કરી છે. એ કહે છે કે, જો તારા અર્થાત્ દરેક મનુષ્યના પ્રેમમાં સચ્ચાઈ હશે તો દરેક કામ આસાન થઈ જશે. પ્રેમ એટલે સત્યની લગન અને પ્રેમ અર્થાત્ સત્યનિષ્ઠ વર્તન વિના જગતમાં વિકાસ કે ઉત્ક્રાંતિ શક્ય નથી.
ઈસા મસીહા તો સાદા-સરળ શબ્દોમાં જીવનનો સાર સમજાવી દે છે: લવ ધાય નેવર. પડોશીને સ્નેહ કર. આપણે બધા એક છીએ, બધાનું લોહી લાલ છે. માનવવંશ એક છે, સાગર અને આકાશ દુનિયાભરમાં એક જ છે. આદિ માતા અને પિતા પણ એક જ છે તો પરાયાપણું અને શત્રુવટ આવ્યા ક્યાંથી?
આમ જગતના બધા ધર્મો પરસ્પર ભાઈચારો, પ્રેમ, નિર્વેર અને સદ્ભાવની ભાવના ગાય છે. બધા ધર્મો વિશ્વશાંતિની અને જીવો તથા જીવવા દોની ભાવનાનો મહિમા ગાય છે, એ સંજોગોમાં યુદ્ધ, આતંકવાદ, દુશ્મની અને રાગદ્વેષની આગ બુઝાવીને જ્યોત સે જ્યોત જલાતે રહો, પ્રેમ કી ગંગા બહાતે ચલો…ની ઉમદા ભાવનાનો પ્રસાર કરીએ એજ સઘળા ધર્મોનો સાર છે. દુનિયાના દરેક ધર્મો તેની ઉમ્મતને પ્રેમ મોહબ્બત, ભાઈચારાના ગુણો પર ચાલવાનો ઉપદેશ આપે છે.
પ્રેરણાસ્ત્રોત:
સુખી થવાની ગુરુચાવી છે સંતોષ…! ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આપણી જરૂરિયાત કરતાં વધારે જ છે એવો જો માનસિક સંતોષ આપણે મેળવી શકીએ તો જ આપણે આપણી નજરમાં સુખી થઈ શકીએ…!



