ફોકસઃ એવું મંદિર જ્યાં યક્ષો કરે છે અમૂલ્ય મૂર્તિઓની રક્ષા! | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ફોકસઃ એવું મંદિર જ્યાં યક્ષો કરે છે અમૂલ્ય મૂર્તિઓની રક્ષા!

કવિતા યાજ્ઞિક

સાંગાનેરનું નામ યાદ આવે એટલે શું યાદ આવે? સાંગાનેરી ભાતનું કપડું. સાંગાનેરી કાગળ પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ સાંગાનેરની આ એકમાત્ર ઓળખ નથી. સાંગાનેરમાં એક અદ્ભુત અને અનન્ય જૈન મંદિર આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે જે ફક્ત આશ્ચર્યજનક જ નથી પણ વિજ્ઞાનનું જ્ઞાન પણ તેમની સામે ફિક્કું લાગે તેવી છે. તે છે

સાંગાનેરમાં આવેલું સંઘીજી જૈન મંદિર. જયપુરથી લગભગ 13 કિમી દૂર સાંગાનેરમાં આવેલું સંઘીજી મંદિર અદ્ભુત મંદિર છે. એક સમયે સંગ્રામપુર તરીકે ઓળખાતા સાંગાનેરનું આ મંદિર સાત માળનું છે, જેમાં પાંચ માળ ભૂમિગત છે.

સંઘીજી મંદિર રાજસ્થાનના સ્થાનિક ગુલાબી પથ્થરોથી બનેલું છે. જયપુરની ગુલાબી શહેરની ઓળખ સાથે તેનો સારો સુમેળ થાય છે. તેની રચના માઉન્ટ આબુના દેલવાડાનાં મંદિરોની રચનાને મળતી આવે તેવી છે. ઇતિહાસકારોના મતે આ મંદિર લગભગ 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે સંઘીજી મંદિરમાં એક સમયે એક મોટી વાવ હતી. એક દિવસ, બે હાથીઓ દ્વારા ખેંચાયેલો એક રથ, જેમાં કોઈ મહાવત નહોતો, અચાનક આવી પહોંચ્યો. તે આ મોટી વાવ પાસે રોકાયો. લોકોએ જોયું કે તેમાં એક દિગંબર જૈન પરંપરાના ભગવાનની મૂર્તિ રાખવામાં આવી હતી.

આ મૂર્તિ પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની હતી. લોકોએ પ્રતિમાને રથમાંથી ઉતારીને વાવ પાસે રાખી. પ્રતિમા ઉતારતા જ રથ અદ્રશ્ય થઇ ગયો હોવાનું કહેવાય છે. આ ઘટના સમયે જ ત્યાંના રાજાને એ જ ઘટના સ્વપ્ન રૂપે દેખાઈ હોવાનું પણ કહેવાય છે. આ સુંદર પ્રતિમાનું ત્યાં મંદિર બનાવવામાં આવ્યું.

એવું માનવામાં આવે છે કે ચંપાવતી, ચાકસુ, તથકગઢ અને આમ્રગઢના રાજ્યો એક સમયે આસપાસનાં રાજ્યો પર શાસન કરતા હતા, જે બધા સાંગાનેરની પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા. દંતકથા છે કે આ રાજ્યોના રાજાઓએ એક સમયે સાંગાનેર પર હુમલો કર્યો હતો અને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ તેમની સેના આ ચમત્કારિક મંદિરને સ્પર્શી પણ નહોતી શકી. બાદમાં મહારાણા સાંગાએ આ પ્રદેશનો પુનર્વિકાસ કર્યો તેથી તેને સાંગાનેર નામ મળ્યું.

સંઘીજી મંદિરમાં મૂળનાયક (મંદિરની પ્રતિમા) ભગવાન આદિનાથની છે. તેમાં કુલ સાત માળ છે, જેમાંથી પાંચ ભૂગર્ભમાં છે. પાંચમા માળે પ્રાચીન જૈન ચૈત્યાલય છે, જ્યાં ફક્ત નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુઓ જ તેમની સાધના અને તપસ્યાના બળે પ્રવેશ કરી શકે છે. સામાન્ય લોકોને આ ભૂગર્ભ તળમાં રહેલા મંદિરમાં પ્રવેશ વર્જિત છે.

સમય સમય પર, દિગંબર જૈન સાધુઓ દ્વારા મંદિરમાં સ્થિત મૂર્તિઓને જાહેર દર્શન માટે પહેલેથી નિશ્ચિત ચોક્કસ સમયગાળા માટે દેવતાઓ પાસેથી પરવાનગી લીધા પછી બહાર લાવે છે. આ મૂર્તિઓને ફરીથી તેમના મૂળ સ્થાને શુભ ચિન્હો સહિત ફરીથી મુકવી પણ આવશ્યક છે. કહેવાય છે કે આ ભૂગર્ભ મંદિરની રક્ષા સ્વયં યક્ષો કરે છે. આ મંદિરમાં અમૂલ્ય અને કિંમતી રત્નોથી બનેલી તીર્થંકરોની પ્રતિમા છે.

આચાર્યવિદ્યાસાગરજીના શિષ્ય મુનિ સુધાસાગરજીએ ભૂગર્ભ તળની મુલાકાત લીધી ત્યારે મંદિર વિશેષ પ્રકાશમાં આવ્યું. તેઓ પાંચ લાખથી વધુ જૈન શિષ્યોની હાજરીમાં ભૂગર્ભ માળમાંથી, પહેલાં ક્યારેય ન જોયેલી, અમૂલ્ય રત્નના પથ્થરોથી બનેલી જૈન મૂર્તિ લાવ્યા.

તેમણે દાવો કર્યો હતો કે તેમને સર્પના રૂપમાં ઘણા યક્ષ મળ્યા હતા જેઓ આ અમૂલ્ય મૂર્તિઓનું રક્ષણ કરવા માટે ત્યાં હાજર હતા અને સામાન્ય લોકો રક્ષક દેવતાઓની પરવાનગી લીધા વિના ભૂગર્ભમાં પ્રવેશ કરી શકતા નથી.

મૂર્તિ લાવવા અને તેને પાછી રાખવાની પ્રક્રિયા વિવિધ ટીવી ચેનલો પર લાઇવ પ્રસારિત કરવામાં આવી હતી અને મીડિયા દ્વારા તેનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવ્યો હતો. સ્વયં આચાર્ય સુધા સાગરજી દ્વારા કહેવાયું છે તેમ પૂજ્ય શાંતિ સાગર મહારાજને સ્વપ્નમાં ભૂતલમાં રહેલી અમૂલ્ય મૂર્તિઓની સૌપ્રથમ જાણ થઇ હતી.

જોકે પાંચમા તળથી નીચે હજી સુધી કોઈ જઈ શક્યું નથી, એ પણ એક રહસ્ય જ છે. આ કિંમતી રત્નોની મૂર્તિઓ ન જાણે કેટલાય લાંબા કાળનો ઇતિહાસ પોતાની સાથે લઈને ત્યાં સચવાયેલી હશે. કેવો તેમનો ચમત્કાર કે કોઈ સાધારણ મનુષ્ય તેના સુધી પહોંચી ન શકે. આ અદ્ભુત અને અકલ્પનીય મંદિર જો સાધુઓ માટે મોટું શ્રદ્ધાસ્થાન હોય તો આપણા જેવા સામાન્ય લોકો માટે તે તીર્થ જ હોય તે કહેવાની જરૂર નથી.

આ પણ વાંચો…ફોકસઃ 90 ટકા મુસ્લિમ વસતિ છે એ દેશમાં બુરખા પર પ્રતિબંધ કેમ ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button