ધર્મતેજ

એક એવું મંદિર જ્યાં ભગવાન થઇ જાય છે ભૂખથી દૂબળા!

લેખક: કવિતા યાજ્ઞિક (ફોકસ)

ભગવદ્દ ભક્તો હંમેશા કહે છે, કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, તમે તેમને શું અર્પણ કરો છો તેના નહીં. પણ આપણે જાણીએ છીએ કે શ્રી બાળકૃષ્ણને માખણ બહુ ભાવે. આ તો ભગવાનની લીલા હતી. આપણને જાણીને આશ્ર્ચર્ય થાય કે એક એવું મંદિર પણ છે, જ્યાં ભગવાન એમને અર્પણ થતા ભોગના ભૂખ્યા પણ છે! જી હા, આ ન માન્યામાં આવે તેવી વાત છે, પણ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના થિરૂવરપ્પુમાં ભગવાન કૃષ્ણને સમર્પિત એક મંદિર છે જ્યાં આવો ચમત્કાર જોવા મળે છે.

કહેવાય છે કે આ મંદિર લગભગ 1500 વર્ષ પ્રાચીન છે. આ મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન, પાંડવો ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા અને તેમને ભોગ ધરાવતા હતા. વનવાસના અંત પછી, પાંડવોએ માછીમારોની વિનંતીને માન આપીને ભગવાનની આ મૂર્તિ થિરૂવરપ્પુ ખાતે છોડી દીધી. માછીમારોએ ભગવાન કૃષ્ણને ગ્રામદેવતા તરીકે પૂજવાનું શરૂ કર્યું.

જોકે, એક દિવસ માછીમારોને એક સંકટનો સામનો કરવો પડ્યો, અને એક જ્યોતિષીએ તેમને કહ્યું કે તેઓ પૂજા યોગ્ય રીતે કરી રહ્યા નથી. ભગવાનની ભક્તિમાં કચાશ રહી જાય, તેના કરતાં તો તેમની પૂજા ન કરવી સારી, એમ વિચારીને તેમણે ભગવાન કૃષ્ણની મૂર્તિનું એક તળાવમાં વિસર્જન કર્યું.

કેરળના એક ઋષિ વિલ્વમંગલમ સ્વામીયર એક વખત હોડીમાં તળાવમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ તેમની હોડી એક જગ્યાએ અટકી ગઈ. ઘણી કોશિશ કર્યા પછી પણ હોડી આગળ વધી શકી નહીં, તેથી મનમાં એક પ્રશ્ન થયો કે એવું શું છે કે હોડી આગળ વધી રહી નથી? તેમણે પાણીમાં ડૂબકી લગાવી અને ત્યાં એક મૂર્તિ પડેલી જોઈ.

ઋષિ વિલ્વમંગલમ સ્વામીયારે તે મૂર્તિને પાણીમાંથી કાઢી અને પોતાની હોડીમાં પધરાવી. કિનારે આવ્યા બાદ, તેઓ એક ઝાડ નીચે આરામ કરવા માટે રોકાયા અને મૂર્તિ ત્યાં પોતાની બાજુમાં મૂકી. જતા જતા તેમણે મૂર્તિ ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૂર્તિ જગ્યાએથી હલવાનું નામ નહોતી લેતી! વિલ્વમંગલમ આ ચમત્કાર જોઈને ઈશ્વરી સંકેત સમજી ગયા. આખરે તે મૂર્તિની ત્યાં વિધિવત સ્થાપના કરવામાં આવી.

કહેવાય છે કે આ પ્રતિમાના મુખ પરના ભાવ તેમણે કંસનો વધ કર્યો તે સમયના છે. તે સમયે શ્રી કૃષ્ણને ખૂબ ભૂખ લાગી હતી. આ માન્યતાને કારણે, તેમને હંમેશા ભોજન આપવામાં આવે છે. મોટાભાગે મંદિરોમાં દિવસમાં બે થી ત્રણ વખત ભોગ ધરવાની પરંપરા હોય છે. પણ આ મંદિરમાં ભગવાનને દિવસમાં 10 વખત ભોગ ધરવામાં આવે છે. કારણકે લાલો હંમેશાં ભૂખ્યો જ હોય છે! હા, અહીં એવી માન્યતા છે કે ભગવાનના વિગ્રહથી ભૂખ સહન નથી થતી. જો એમને ભોગ ધરવામાં ન આવે તો તેમનું શરીર દૂબળું પડી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે થાળીમાંથી પ્રસાદ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે, અને ભગવાન કૃષ્ણ પોતે તેને આરોગી જાય છે.

ભારતમાં કદાચ આ એકમાત્ર મંદિર છે જે ગ્રહણ દરમિયાન પણ બંધ થતું નથી. કહેવાય છે કે, આદિ શંકરાચાર્યના સમયમાં, મંદિર એક વખત ગ્રહણ દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે જોયું કે ભગવાનને પહેરાવેલો કમરપટ્ટો નીચે સરકી ગયો હતો. આ વાતની જાણકારી મળતા આદિ શંકરાચાર્ય સ્વયં ત્યાં આવ્યા હતા. સચ્ચાઈ જાણ્યા પછી તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારથી તેમની અનુજ્ઞાથી આ મંદિર ગ્રહણ દરમિયાન પણ બંધ થતું નથી.

મંદિર 24 કલાકમાં માત્ર બે મિનિટ માટે બંધ રહે છે. સવારે 11:58 વાગ્યે બંધ થાય છે અને માત્ર બે મિનિટ પછી બરાબર બપોરે 12:00 વાગ્યે ફરી ખુલે છે. મંદિરના પૂજારીને તાળાની ચાવી અને કુહાડી આપવામાં આવી છે. કેમકે બાલકૃષ્ણથી ભૂખ સહન થતી નથી એટલે જો ચાવીથી તાળું ખોલવામાં જરા પણ વિલંબ થાય તેવું લાગે તો તરત કુહાડીથી તાળું તોડી દેવાની અનુમતિ છે, પણ કૃષ્ણને ભોગ ધરાવવામાં જરાય વિલંબ ન થવો જોઈએ!! જ્યારે મૂર્તિનો અભિષેક થાય છે, ત્યારે પહેલા મૂર્તિનું માથું અને પછી આખું શરીર સુકાઈ જાય છે. કારણ કે અભિષેકમાં સમય લાગે છે, તે સમય દરમિયાન પ્રસાદ ચઢાવી શકાતો નથી. આ ઘટના જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

એવું કહેવાય છે કે અહીંના પ્રસાદનો થોડો ભાગ પણ જે કોઈ ગ્રહણ કરે છે તે તૃપ્તિ અનુભવે છે. કોઈપણ ભક્તને પ્રસાદ લીધા વિના જવાની મંજૂરી નથી. દરરોજ સવારે 11.57 વાગ્યે (મંદિર બંધ કરતા પહેલા) પૂજારી મોટેથી બૂમ પાડીને પૂછે છે કે શું અહીં કોઈ એવું છે જેણે પ્રસાદ ન લીધો હોય? જે કોઈ અહીં એક વાર પ્રસાદ લે છે, તેને જીવનમાં ક્યારેય ભૂખ્યા રહેવાનો વારો આવતો નથી એવી લોકોમાં શ્રદ્ધા છે. એપ્રિલ મહિનામાં 10 દિવસ માટે અહીં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે.

આપણ વાંચો:  ગીતા મહિમાઃ ‘સત્’થી યુક્ત યાગ, દાન ને તપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button