ધર્મતેજ

વિશેષ: એક એવું મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ પોતાનું શીશ ઝુકાવ્યું હતું!

  • રાજેશ યાજ્ઞિક

મહાકુંભના આયોજન પછી વિશ્વભરમાં પ્રયાગરાજનું આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચામાં આવ્યું. લોકોનો પ્રયાગરાજના તીર્થક્ષેત્રોમાં રસ પણ વધ્યો. પ્રયાગરાજ આમ તો ત્રિવેણી સંગમ, સુતેલા હનુમાનજી અને અક્ષયવટના કારણે જાણીતું છે જ, પણ ત્યાં એક પૌરાણિક શિવ મંદિર પણ છે, જેનું ખૂબ મહાત્મ્ય છે.

કાશીને ભગવાન શિવનું શહેર કહેવામાં આવે છે, પરંતુ જટાધારી શિવનો સંગમ નગરી પ્રયાગરાજ સાથે પણ ઊંડો સંબંધ છે. બ્રહ્માંડની રચના સમયે, બ્રહ્માએ પોતે પ્રયાગરાજના દારાગંજ વિસ્તારમાં દશાશ્વમેઘ રૂપમાં શિવની સ્થાપના કરી હતી. તો ત્રેતાયુગમાં, ભગવાન રામ સવા કરોડ શિવલિંગ સ્થાપિત કર્યા પછી જ બ્રહ્માના વધના પાપમાંથી મુક્ત થયા હતા. પ્રયાગરાજમાં ભગવાન શિવનો દરબાર છે અને દ્વાપરયુગમાં પાંડવો દ્વારા સ્થાપિત પડીલા મહાદેવ મંદિર પણ છે. આ બધા ઉપરાંત, ગંગા-યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી કિનારે અરૈલ વિસ્તારમાં સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિરની એક અલગ અને અનોખી કથા છે.

સોમતીર્થ, જે હવે સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે, તે પ્રયાગરાજમાં સંગમની સામે દેવરખ વિસ્તારમાં આવેલું છે. પદ્મપુરાણમાં, પ્રયાગરાજના અક્ષયવટ ક્ષેત્રના દક્ષિણ-પૂર્વ ખૂણા પર ગંગા અને યમુના નદીઓના સંગમ પાસે દક્ષિણ કિનારે સોમતીર્થનો ઉલ્લેખ છે. પૌરાણિક ગ્રંથોમાં, ગૌતમ ઋષિ દ્વારા આપવામાં આવેલા શાપને કારણે કુષ્ઠ રોગથી પીડાતા ચંદ્રદેવનો ઉલ્લેખ છે, તેમણે પ્રયાગની ભૂમિ પર સોમેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. 14મી સદીમાં, વિઘાપતિએ તેમના પુસ્તક ભૂ પરિક્રમામાં પણ સોમતીર્થનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો…વિશેષ : ગધેડો પણ પૂજનીય છે, જાણો છો ક્યાં?

પદ્મપુરાણની કથા અનુસાર, રાજા દક્ષે પોતાની સત્તાવીસ પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા. ચંદ્રદેવ ખૂબ જ સુંદર દેખાતા હતા કારણ કે તે સોળ કળાઓમાં નિષ્ણાત હતા. સત્તાવીસ પત્નીઓ હોવા છતાં, ચંદ્રદેવ ફક્ત રોહિણીને જ સૌથી વધુ પ્રેમ કરતા હતા. બાકીની છવ્વીસ પત્નીઓની અવગણનાને કારણે, ચંદ્રદેવને રક્તપિત્તનો શાપ મળ્યો. ઘણી જગ્યાએથી સારવાર કરાવવા છતાં, તેમનો રોગ મટતો નહોતો. આવી સ્થિતિમાં, દેવતાઓની સલાહ પર, ચંદ્રમા પવિત્ર નગરી પ્રયાગરાજ આવ્યા અને સંગમ નદીના કિનારે અરૈલ વિસ્તારમાં શિવલિંગ સ્થાપિત કરીને ભગવાન શિવની પૂજા કરી.

આ પ્રાચીન મંદિર સાથે એક રહસ્યમય માન્યતા જોડાયેલી છે. એવું કહેવાય છે કે દર મહિનાની પૂર્ણિમાની રાત્રે, આ શિવ મંદિરની ટોચ પર મૂકવામાં આવેલા ત્રિશૂળની દિશા બદલાય છે. એવું કહેવાય છે કે ઘણા લોકોએ આ ચમત્કાર જોવાનો પ્રયાસ કર્યો પણ કંઈ જોઈ શક્યા નહીં. તેમ છતાં, સવારે ત્રિશૂળની દિશા બદલાયેલી જોવા મળતી હતી. આ અસામાન્ય ઘટના દૂર-દૂરથી લોકોને મંદિર તરફ આકર્ષે છે.

મોગલોના બધા શાસકોમાં સૌથી વધુ ક્રૂર શાસક તરીકે વગોવાયેલા ઔરંગઝેબ દ્વારા દેશભરના અનેક હિન્દુ મંદિરોનો ધ્વંસ કરવાનો ઇતિહાસ છે. પણ કહેવાય છે કે સોમેશ્વર મહાદેવ મંદિરમાં તેણે પોતાનું શીશ ઝુકાવવું પડ્યું હતું. આ મંદિરના વિધ્વંસ માટે જ્યારે તે પગથિયાં ચડવા જતો હતો, ત્યારે તેના પગ સ્વયં અટકી ગયા અને તે મંદિરમાં પ્રવેશ કરી શક્યો નહીં. આ ઘટનાને દૈવી સંકેત તરીકે સ્વીકારીને ઔરંગઝેબે ત્યાં પોતાનું શીશ ઝુકાવ્યું. તેણે આ મંદિરમાં માત્ર શીશ જ ન નમાવ્યું, પણ મંદિરની જાળવણી માટે એક મોટી સંપત્તિનું દાન પણ કર્યું. આ વાતનો ઉલ્લેખ મંદિરની બહારના ધર્મદંડ અને ફરમાનમાં જોવા મળે છે.

સોમેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજીનું મંદિર પણ છે. હનુમાનજીના મંદિરની સામે એક ધર્મદંડ છે. પથ્થરના સ્તંભના રૂપમાં સ્થાપિત આ ધર્મદંડમાં 15 પંક્તિઓમાં એક લેખ કોતરવામાં આવ્યો છે. આ લેખમાં સંવત 1674માં શ્રાવણ મહિનામાં ઔરંગઝેબ દ્વારા મંદિરને જાગીર આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.

પ્રાચીન સોમેશ્વરનાથ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. ઉત્તર ભારતના શ્રાવણ (જેને સાવન કહેવાય છે) તે આપણા અન્ય પ્રદેશ કરતા વહેલો શરૂ થાય છે. તે સમયે અહીં ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. તે ઉપરાંત કુંભ, મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં આ મંદિરમાં પગ મૂકવાની જગા નથી રહેતી. ભક્તોને શ્રદ્રા છે કે જેમ વિશ્વ કલ્યાણના દેવતા ભગવાન ભોળાનાથે ચંદ્રદેવને તેમના કુષ્ઠરોગથી મુક્ત કર્યા હતા, તેવી જ રીતે તેઓ તેમને પણ તેમના રોગોથી મુક્ત કરશે.

આ પણ વાંચો…વિશેષ પ્લસ : એક એવું મંદિર, જ્યાં ધાર્યું ન હોય એવી એવી અવાક કરી મૂકે તેવી પૂજા થાય છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button