વિશેષ : એક એવું મંદિર, જ્યાં મૂષકોનો આરોગેલો પ્રસાદ ભક્તો પણ આરોગે છે!

-રાજેશ યાજ્ઞિક
રાજસ્થાનમાં એક શહેર છે, દેશનોક. કદાચ આપણે તેનું નામ પણ બહુ સાંભળ્યું ન હોય. પણ જો બિકાનેર કહીએ તો એવું કોઈ ન મળે જેણે નામ ન સાંભળ્યું હોય. આ બિકાનેર જિલ્લામાં આવેલું દેશનોક ભલે નાનકડું, પણ અતિ પ્રસિદ્ધ શહેર છે. આ શહેર પ્રસિદ્ધ છે, ત્યાંના એક મંદિર માટે. આમ તો આ મંદિર, દેવી દુર્ગાના રૂપને સમર્પિત છે, પરંતુ તેની એક વિશિષ્ટતા આ મંદિરને ખાસ બનાવે છે.
આ ગામની સ્થાપના સંવત 1476માં ભગવતી દેવી કરણીજી દ્વારા કરવામાં આવી હતી. મારવાડના રાઠોડ શાસક અને કરણીજીના અનુયાયી રાવ રણમલે તેનું પ્રારંભિક નામ દેશોટ સૂચવ્યું જેનો અર્થ ‘માતૃભૂમિની ઢાલ’ થાય છે. જોકે, કરણીજીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યના શાસકો આપબળે નૈતિક મૂલ્યો માટે લડતા રહેશે, ત્યાં સુધી રાજ્યો તેમના શાસકોના રહેશે. તેથી, તેમણે ગામનું નામ આત્મસન્માનના પ્રતીક રૂપ દેશનાક (માતૃભૂમિનું નાક) રાખ્યું. પાછળથી દેશનાકનું અપભ્રંશ દેશનોક થયું.
કરણી માતાનો ઇતિહાસ શું છે?
વાયકા મુજબ, કરણીજીનો જન્મ ચારણોના કિનિયા વંશમાં થયો હતો. બાળપણથી જ તેમની સાથે ઘણા ચમત્કારો સંકળાયેલા હતા. કરણી માતાને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. રાજસ્થાનના રાજપૂતોને તેમનામાં શરૂઆતથી જ ઊંડી આસ્થા અને ભક્તિ હતી. જોધપુર અને બિકાનેર સહિતના રાજપૂત રજવાડાના કિલ્લાઓનો શિલાન્યાસ તેમના પાવન હસ્તે થયાની નોંધ છે. 1538માં, કરણીજી જેસલમેરના મહારાજાને મળવા ગયા હતા. તે વર્ષે 21 માર્ચે તેઓ કેટલાક અનુયાયીઓ સાથે દેશનોક પાછા ફરી રહ્યા હતા. તેઓ બિકાનેર જિલ્લાના દિયાત્રા નજીક હતા જ્યાં તેમણે કાફલાને પાણી માટે રોકાવાનું કહ્યું. તેઓ ત્યાં અદ્રશ્ય થઈ ગયા! કહેવાય છે કે તે વખતે તેમની વય 151 વર્ષની હતી.
રાજસ્થાન પ્રવાસન નિગમ દ્વારા અપાયેલી માહિતી મુજબ કરણી માતા મંદિરનું બાંધકામ 20મી સદીની શરૂઆતમાં બિકાનેરના મહારાજા ગંગા સિંહ દ્વારા પૂર્ણ થયું હતું. પણ આ મંદિર 600 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. રાજસ્થાનમાં કરણીમાતાના અન્ય મંદિરો પણ છે. પરંતુ દેશનોકનું આ મંદિર અતિ પ્રસિદ્ધ બન્યું, તે તેમની વિશેષતા, એટલે ત્યાં રહેલા ઉંદરોના કારણે.
આ પણ વાંચો…વિશેષ : ગધેડો પણ પૂજનીય છે, જાણો છો ક્યાં?
શું છે ઉંદરોની કથા?
માતા કરણીએ તેમની સગી બહેનના દીકરા લક્ષ્મણને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો. એક દિવસ કોલાયત નજીકના કપિલ સરોવરમાં સ્નાન કરતી (અથવા જળ પીતી વખતે) વખતે લક્ષ્મણ ડૂબી ગયો. માતાની નાની બહેને લક્ષ્મણને પુનર્જીવિત કરવા માટે કરણી માતાને પ્રાર્થના કરી. કરણી માતાએ દીકરાના શરીરને પોતાના હાથથી ઉપાડ્યું અને આજે જ્યાં મૂર્તિ છે ત્યાં લઈ ગયા, દરવાજા બંધ કરી દીધા અને દરવાજા ન ખોલવા કહ્યું. કહે છે કે તેઓ સ્વયં યમરાજ પાસે ગયા અને લક્ષ્મણને જીવંત કરવા માટે પ્રાર્થના કરી. યમરાજે પ્રશ્ન કર્યો કે તો જીવન-મૃત્યુનું ચક્ર કેવી રીતે ચાલશે? ત્યારે કરણી માતાએ કોઈપણ રૂપમાં જીવંત કરવાની વિનંતી કરતા તેને ઉંદરના રૂપે પુનર્જન્મ આપ્યો. કરણી માતાએ ઘોષણા કરી કે હવે તેમનો પરિવાર યમરાજ પાસે નહીં જાય અને જ્યાં પોતે રહેશે ત્યાં જ તેઓ પણ રહેશે. આમ, ફક્ત લક્ષ્મણ જ નહીં પરંતુ કરણી માતાના બધા વંશજો ઉંદરો તરીકે પુનર્જીવિત થાય છે, તેમ માનવામાં
આવે છે.
આ મંદિરમાં 25,000થી વધુ ઉંદરો રહે છે. સામાન્ય રીતે, ઉંદરોના એઠાં ખોરાક ખાવાને બદલે ફેંકી દેવામાં આવે, પરંતુ અહીં ભક્તોને ઉંદરોનો એંઠો પ્રસાદ આપવામાં આવે છે. આ જ કારણ છે કે આ મંદિરમાં દેવીના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તોની ભારે ભીડ ઊમટે છે. લોકો ઉંદરો માટે દૂધ, મીઠાઈ અને અન્ય પ્રસાદ પણ લાવે છે. બધા ઉંદરોમાંથી, સફેદ ઉંદરોને કરણી માતાના વંશજોનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં ઉંદરને ભૂલમાં પણ ઇજા પહોંચાડવી કે મારવા એ ગંભીર પાપ છે. એટલા માટે અહીં લોકો ચાલતી વખતે પગ ઉપાડવાને બદલે ઢસડીને ચાલે છે, જેથી કોઈ ઉંદર તેમના પગ નીચે ન આવે. જો ભૂલમાં એવું થાય તો મંદિરમાં સોનાનો ઉંદર ચડાવવાની પ્રથા છે. પરંતુ જો કોઈ ભક્તના પગ પરથી ઉંદર પસાર થઈ જાય, તો દેવીના આશીર્વાદ માનવામાં આવે છે.
આ મંદિરમાં રહેલા ઉંદરોને કાબા કહેવામાં આવે છે. જો એક ઉંદર પણ ઈચ્છે તો તમારા ઘરમાં તબાહી મચાવી શકે છે. ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ કરણી માતા મંદિરમાં રહેલા ઉંદરો આવું કંઈ કરતા નથી. આજ સુધી, ઉંદરોને કારણે કોઈ રોગ ફેલાયો નથી. ઉંદરોના બચેલા પ્રસાદને ખાધા પછી લોકોને કોઈ નુકસાન થતું નથી.
દેશનોકમાં કરણી માતાનો મેળો વર્ષમાં બે વાર ભરાય છે. પહેલો અને સૌથી મોટો મેળો માર્ચ-એપ્રિલમાં ચૈત્રી નવરાત્રીમાં ભરાય છે. બીજો મેળો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં, અશ્વિન માસની નવરાત્રિ દરમિયાન ભરાય છે. કરણી માતા દ્વારા સ્થાપિત દેશનોકનું ઓરણ, 42 કિમી.નો વિસ્તાર છે. અહીં કોઈ પણ જીવંત પ્રાણીને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ છે અને બળતણ માટે કોઈ વૃક્ષ પણ કાપવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન ઓરણ પરિક્રમા થાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો, ખાસ કરીને કરણી માતાને પૂજતા રાજપૂતો ભાગ લે છે.
આ પણ વાંચો…વિશેષ : સનાતન ધર્મમાં પાંચનો અંક અનેક પ્રતીકોનો પ્રતિનિધિ…