મહાભારતનું એક મોતી: સનત-સુજાતિય | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મહાભારતનું એક મોતી: સનત-સુજાતિય

  • મનન – હેમંત વાળા

મહાભારતના જે છ મોતી ગણાય છે તેમાંનું આ એક છે. તેમાં ધૃતરાષ્ટ્રને વિદુરની વિનંતીથી પરમજ્ઞાની સનત ઋષિ જ્ઞાન આપે છે. સનાતની સંસ્કૃતિની શૈલી પ્રમાણે અહીં પણ જ્ઞાનનો વિનિમય પ્રશ્નોત્તરી દ્વારા થયો છે. મહાભારત ધર્મ, નૈતિકતા, અધ્યાત્મિકતા, સામાજિક બંધારણ અને દાર્શનિક વિચારોનો અવિનાશી, અદ્ભુત તેમ જ અપાર ખજાનો છે. તેમાંના ઉદ્યોગપર્વમાં 41થી 46મા વિભાગમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે જ્યાં યુદ્ધ પહેલા ધૃતરાષ્ટ્રને સત્ય પ્રતીત થાય તે માટે પ્રયત્ન કરાયો હોય તેમ જણાય છે.

સનત ઋષિ જ્ઞાન થકી ભક્તિનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાપુષ છે. તેઓ બ્રહ્માના માનસ પુત્ર છે. ધૃતરાષ્ટ્રને તેમણે જે જ્ઞાન આપ્યું તે સનત-સુજાતિય’ તરીકે ઓળખાય છે. અહીં તેમણે ધૃતરાષ્ટ્રને ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, નિત્ય-અનિત્ય, યોગ્ય-અયોગ્ય, નૈતિક-અનૈતિક જેવી બાબતો ઉપરાંત તત્ત્વજ્ઞાન, આત્મા, દૈવી ગુણો, સંસાર, સૃષ્ટિ તથા આધ્યાત્મિકતા જેવી બાબતોની સમજ પણ આપી છે. તે સાથે તેમણેદુશ્મન’ ગણી શકાય તેવાં કામ, ક્રોધ, લોભ, મોહ, લાલચ, અહંકાર જેવાં નકારાત્મક ભાવની પણ વાત કરી.

સનત-સુજાતિયમાં પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે શાસ્ત્રમાં શ્રદ્ધાની વાત અહીં કરવામાં આવી છે, આધ્યાત્મમાં આંતરિક જ્ઞાનનું મહત્ત્વ સમજાવાયું છે, સાત્ત્વિક ગુણ તેમ જ સુ-સંસ્કાર માટે સૂચન કરાયું છે, વિચારોનાં નિયંત્રણ થકી નૈતિક વર્તનની વાત અહીં થાય છે, મોહ-યુક્ત સંવેદનાના નિયંત્રણની વાત પર ભાર અપાયો છે, વિવેક અને સંયમ થકી સ્વનિયંત્રણ મેળવી નકારાત્મક ભાવની નાબૂદી માટેનું સૂચન છે તે ઉપરાંત વિનાશકારક મૂર્ખતાથી દૂર રહેવાની વાત પણ અહીં જોવાં મળે છે. સનત-સુજાતિયને મૃત્યુ અને અમૃતની વાત સમજાવનાર, આત્મજ્ઞાન અને તેમજ બ્રહ્મજ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત કરનાર, કર્મ અને તેનાં ફળ વચ્ચેનાં સમીકરણની સમજ આપનાર, ધર્મ-અધર્મ સત્ય-અસત્ય નિત્ય-અનિત્યનો ભેદ દર્શાવનાર, સર્વથા વિનાશકારી સંવેદનાઓ તથા નકારાત્મક સમજથી દૂર રહેવાનો આગ્રહ કરનાર, સમગ્ર સૃષ્ટિમાં પ્રવર્તમાન એકત્વની ભાવનાને યથાર્થ સ્વરૂપે કહેનાર, ભક્તિ, યોગ, સંન્યાસ, વૈરાગ્ય જેવાં સાધનોનું મહત્ત્વ સ્થાપિત કરનાર ઉદ્ઘોષક તરીકે લેવાય છે.

મહાભારતનું યુદ્ધ સામે ઊભું હતું. તેથી સ્વાભાવિક છે કે ધૃતરાષ્ટ્રને મૃત્યુની ચિંતા વધુ હોય. ધૃતરાષ્ટ્રને પ્રશ્ન એ થાય છે કે મૃત્યુનું અસ્તિત્વ નથી એમ કેમ કહેવામાં આવે છે. સનત ઋષિનો જવાબ સ્વાભાવિક છે, મૃત્યુ અથવા દેહાંતર પ્રાપ્તિ શરીરને થાય છે, માનવી તો આત્મા સ્વરૂપ છે, આત્મા છે, જેનું મૃત્યુ સંભવ નથી. આત્માની અનુભૂતિ માટે તેમણે પછી બ્રહ્મચર્યના મહત્ત્વની વાત કરી. બ્રહ્મચર્ય એટલે માત્ર ઇન્દ્રિયોનું નિયંત્રણ નહીં પરંતુ આધ્યાત્મિક ગુના માર્ગદર્શન હેઠળ સ્થાપિત થયેલી જીવનશૈલીનું પાલન. અહીં સનત-સુજાતિય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે જો આત્માની અનુભૂતિ સિવાય પણ અન્ય બાબત વિશે વિચારવું હોય તો હવે પછીના `શુભ-જન્મ’ માટે વિચાર કરવો જોઈએ, અને તે માટે આ જન્મમાં શક્ય તેટલાં સત્કર્મ કરવા જોઈએ. તેમણે સાથે ધ્યાન અને ભક્તિનું મહત્ત્વ પણ જણાવ્યું. આત્મા વિશે વાત કરતા તેમને આગળ જણાવ્યું કે આ આત્માને ઇન્દ્રિયોથી પામી શકાતો નથી પરંતુ તેને કારણે ઇન્દ્રિયો તે સિવાયની અન્ય બાબતો પામી શકે છે.

અંધ ધૃતરાષ્ટ્રને સમજાવતાં સમજાવતાં અહીં સનત ઋષિ મુક્તિ માટે આત્માની અનુભૂતિની વાત કરે છે તો સાથે સાથે સામાજિક માટે સૌહાર્દ જળવાઈ રહે તે માટે શાંતિનું મહત્ત્વ પણ સમજાવે છે. શાંતિ માટે જરૂરી કહી શકાય તેવાં ક્ષમા, કણા, વિવેક, સહનશીલતા તથા વ્યાપક ભાવના જેવાં ગુણના મહત્ત્વની વાત કરે છે. અહીં તત્ત્વજ્ઞાનની સાથે સાથે રાજધર્મનું વિવરણ પણ જોવા મળે છે. શરીર અને આત્માનો ભેદ સમજાવતાં સમજાવતાં અહીં પ્રજાનાં હિતની પણ વાત કરાઈ છે. અહીં સૃષ્ટિમાં પ્રવર્તમાન વ્યાપક બ્રહ્મની સમજણ આપવાં સાથે વ્યક્તિગત ધર્મની ભૂમિકા પણ સ્થાપિત કરાઈ છે. સાથે અહીં એ પણ વાત સ્થાપિત કરવાનો પ્રયત્ન થયો છે કે ધર્મ માટે જો યુદ્ધની આવશ્યકતા હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ પણ સાથે સાથે દયા, ક્ષમા અને વિનયનું મૂલ્ય ઓછું ન આંકવું જોઈએ.

સનત-સુજાતિયમાં આદર્શ છે અને વાસ્તવિકતા પણ છે, આધ્યાત્મિકતા છે અને વ્યવહાર પણ છે, શાશ્વત તત્ત્વજ્ઞાન છે અને સાંજોગીક સૂચન પણ, ભક્તિ પણ છે અને જ્ઞાન પણ છે, સમાવેશીય વિચારધારા છે અને વિશેષ ઉલ્લેખ પણ છે, આ લોકની વાત છે અને આ લોક ઉપરાંતની વાત પણ છે. સનત-સુજાતિય માનવ ઇતિહાસની એક એવી ઘટના છે કે જે શૂન્યથી અનંત સુધીનું, કણથી બ્રહ્માંડ સુધીનું, આત્માથી પરમાત્મા સુધીનું જ્ઞાન વાત વાતમાં આપી દે છે.

સનત-સુજાતિયનો સંદેશ સમગ્ર માનવજાત માટે છે, કાયમ માટેનો છે, સ્થળ અને સમયના પરિમાણથી મુક્ત છે, દરેક સંસ્કૃતિ માટે સાર્થક છે. ભૌતિક આકર્ષણ સામે સંયમનું મહત્ત્વ અહીં સમજાવવામાં આવ્યું છે. અનૈતિકતા સામે વિવેકની વાત અહીં કરવામાં આવી છે. શરીરની અપેક્ષાએ અહીં આત્માને મહત્વ અપાયું છે. સામાજિક તેમજ કૌટુંબિક સમીકરણ કરતાં વૈશ્વિક શાંતિને સ્થાપવાની અહીં વાત છે. અહીં એ પણ જણાવાયું છે કે સાચો વિજય પોતાના અહંકાર અને સ્વાર્થ પરનો વિજય હોય. તે પછી પણ મહાભારતનું યુદ્ધ લડાયું તેથી એમ જણાય છે કે ધૃતરાષ્ટ્ર માટે આ માત્ર માહિતી બની રહી, તેને જીવનમાં કે વર્તનમાં ઉતારવાની જરૂર તે મને ન જણાઈ. કોઈપણ જ્ઞાન, જ્ઞાનનું સ્વરૂપ ત્યારે જ પામે જ્યારે તેનું અમલીકરણ શરૂ થાય, ત્યાં સુધી તો તે માત્ર જાણકારી જ બની રહે. શાસ્ત્રમાં જાણકારી તો ઘણી હોય છે પરંતુ તે જ્ઞાન ત્યારે જ બની શકે જ્યારે તે જીવન સાથે, જિંદગી સાથે જોડાય.

આપણ વાંચો:  શું સનાતન ને હિન્દુ ધર્મમાં ભેદ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button