વિશેષ: કેસર-ચંદનની વર્ષા જ્યાં થાય છે, તેવી દિવ્ય મંદિર શૃંખલા!

- રાજેશ યાજ્ઞિક
મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં સાતપુડાની પર્વત શૃંખલાના રમણીય વાતાવરણમાં સુંદર જૈન મંદિરોની શૃંખલા આવેલી છે. આ વિસ્તાર લીલાછમ વૃક્ષો વચ્ચે વસેલો છે, જ્યાં 250 ફૂટની ઊંચાઈથી પાણીનો ધોધ વહે છે. નિર્વાણકાંડમાં ઉલ્લેખ છે કે દસમા તીર્થંકર, શીતલનાથ સ્વામીજીએ આ સ્થાન પર સમવશરણ રચ્યું હતું. તે સમયે, મોતીઓનો દિવ્ય વરસાદ થયો હતો, તેથી આ ક્ષેત્રને મુક્તાગીરી કહેવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે ‘મુક્તાગિરિ પર મુક્તા (મોતી) બરસે, શીતલનાથ કા ડેરા.’ બૈતુલ-પરતવાડા રોડ પર ભૈંસદેહીથી 55 કિમી દૂર મુક્તાગીરીમાં, મગધ સમ્રાટ શ્રોણિક બિમ્બીસારે પર્વત પર બાવન જૈન મંદિરોના નિર્માણનો પાયો નાખ્યો હતો, તેવું કહેવાય છે. પહાડ પર માનવનિર્મિત બાવન નાના-મોટા જૈન મંદિરો છે. આમાંના કેટલાક મંદિરો ખૂબ જ પ્રાચીન છે, તેમાંથી કેટલાક 16મી સદીના હોવાનું કહેવાય છે.
મુક્તાગીરીને સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે કારણ કે અહીં, મુનિઓ અને મહાન તપસ્વીઓએ વિશેષ આધ્યાત્મિક સાધના કરી હતી, પોતાને બધા કર્મના બંધનોમાંથી મુક્ત કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. આ સાડા ત્રણ કરોડ મુનિઓનું નિર્વાણ સ્થળ છે.
હાલના મંદિરોના અસ્તિત્વની જાણ 1893માં થઇ હોવાનું માનવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન, આ મુક્તાગિરી પર્વત અને મંદિરો 1928માં ખાપર્ડેના જમીન મહેસૂલમાંથી કેટલાક જૈન મહાનુભાવો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તે સમયે શિકારીઓ પ્રાણીઓનો શિકાર કરવા માટે જૂતા-ચપ્પલ પહેરીને આ પવિત્ર અને ઐતિહાસિક પર્વત પર જતા હતા. તેથી, પર્વતની પવિત્રતાને અખંડ રાખવા માટે જૈન શ્રેષ્ઠીઓએ મોં માંગી કિંમત આપીને આખો પર્વત ખરીદી લીધો. ધર્મ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની આવી ઉમદા ભાવના તીર્થંકરોના જીવનમાંથી પ્રેરિત છે તે નિ:શંક છે.
મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની ચાર ફૂટ ઊંચી કાળા પથ્થરની સપ્તફણી પદ્માસન મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવાય છે કે રાજા શ્રીપાલે અચલપુરના એક તળાવના કિનારે સ્વપ્નમાં આ મૂર્તિ જોઈ હતી અને તેને તે જગ્યાએથી બહાર કાઢવાનો આદેશ મળ્યો હતો. સમય જતાં, તે જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાની બાજુમાં 16મી સદીની સહસ્ત્રફણી ભગવાન પાર્શ્વનાથની એક અનોખી નાની પ્રતિમા છે. આ પ્રાચીન પ્રભુ તિમાઓના દર્શન કરવા પણ એક લહાવો છે.
આ સ્થળને લાગતું એક કાવ્ય પ્રચલિત છે,
અચલપુર કી દિશા ઈશાન, તહાં મેંઢાગીરી નામ પ્રધાન
સાઢે તીન કોટી મુનિરાય તિનકે ચરણ નમું ચિત્તલાય
મોતીઓના વરસાદના કારણે મુકતાગિરી કહેવાયું, તેમ આ સ્થળનું મેંઢાગીરી નામ પ્રચલિત થવા પાછળ પણ એક અતિ સુંદર કથા છે. એક હજાર વર્ષ પહેલાં, અત્યારના મંદિર નંબર 10 પાસે ધ્યાન કરી રહેલા એક મુનિની સામે પર્વતની ટોચ પરથી એક મેંઢા એટલેકે ઘેટું પડી ગયું. અંતિમ શ્વાસ લઇ રહેલા તે ઘેટાંના કાનમાં તપસ્વી મુનિએ નવકાર મહામંત્ર સંભળાવ્યો. અંતિમ સમયે નમસ્કાર મહામંત્ર સાંભળવા મળતા, ઘેટું મૃત્યુ પછી દેવગતિ પામ્યું. દેવ થયેલા ઘેટાંના આત્મા એ મુનિરાજના દર્શન કરવાની ઈચ્છાથી પહાડ પાર આવીને નવકાર સંભળાવનાર મુનિરાજને વંદન કર્યા. કહેવાય છે કે તે સમયે દેવલોકમાંથી કેસર-ચંદનની વર્ષા દ્વારા આ અદ્ભુત ઘટનાની અનુમોદના કરવામાં આવી. ત્યારથી કહે છે કે ઘણી અષ્ટમી અને ચૌદસના દિવસે અહીં, આજે પણ કેસર-ચંદનની વર્ષા થાય છે. આ દિવ્ય ઘટના બાદ આ પર્વતને મેંઢાગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
બૈતૂલના સરકારી ગેઝેટમાં પણ અહીંના ચમત્કારનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. આ પ્રદેશ જંગલની વચ્ચે હોવાથી અહીં હિંસક પ્રાણીઓની પણ વસ્તી છે. કહે છે કે તપસ્વી મુનિઓ અને સ્વયં તીર્થંકરોની પ્રતિમાઓની ઉપસ્થિતિમાં આ હિંસક પ્રાણીઓ સંપૂર્ણ અહિંસક વર્તન કરતા જોવા મળ્યા છે.
આપણ વાંચો: અલખનો ઓટલો: નામ પામ્યો પણ રામને નવ લહ્યા?



