ર્ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન

- ડૉ. બળવંત જાની
ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો ,મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું થયેલું હોય છે. એટલે ચરિત્રની વિગતોમાં જો કંઈ અતિશયોક્તિભરી વિગતો હોય તો તુરતના અનુગામીઓ વિરોધ કરે એવું બને. પરંપરામાં જળવાયેલી વિગતો આવી તથ્યપૂર્ણ માહિતીને કારણે દસ્તાવેજી મૂલ્ય પણ ધરાવતી હોય છે.
વેલનાથના ચરિત્ર સાથે ગિરનાર દામોકુંડ કેટલા અને કેવા જડાયેલા છે અને એનો કેટલો મોટો પ્રભાવ છે એનો ખ્યાલ પણ અહીંથી પ્રાપ્ત થાય છે. આ વેલનાથ શિષ્ય પરંપરા પ્રાપ્ત ભજનોનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે. વેલનાથ શિષ્યપરંપરામાં જૂનાગઢની આસપાસના કોઈ એક કણબી પટેલ નારણ માંડળિયાની વિગતો પણ પ્રાપ્ત થાય છે. આ નારણ માંડળિયાની ભજનરચનાઓમાં પ્રભાતિયાં ભારે પ્રખ્યાત છે. નરસિંહનાં પ્રભાતિયાંની પરંપરા સાથે આ પ્રભાતિયાંઓને પણ કોઈએ જોવાં અને તપાસવાં જોઈએ.
દામાકુંડની સાથે ભવનાથની અને ભૈરવનાથની સાથે વેલનાથ સંકળાયેલા છે. ભૈરવ શિખરની નજીક જે સાત વીરડાઓ છે તેને વેલાબાવાના વીરડા તરીકે ઓળખવામાં આવે છે. મહાશિવરાત્રિના મેળા સમયે ત્યાં કણબીને ભજન ગાવાનો, જળ પીવાનો અધિકાર, પરંપરાથી જ વેલાબાવાએ આપેલા છે. આજે પણ ત્યાં કણબી પટેલનું આદરભર્યું માન-સન્માન છે. અહીં કણબી ભગત નારણ માંડળિયો એની પ્રભાતીરચનામાં ભૈરવની ટૂંકને યાદ કરે એ સ્વાભાવિક છે.
વેલનાથ ભારે મોટા ગજાના સંત જણાયા છે. એના શિષ્યો પણ શબદ-સાધનામાં ક્યાંય પાછા પડયા નથી. પછી એ જસોમા હોય કે રામૈયો. નારણ મંડળિયો હોય કે રાણીંગ઼ ગુરૂની વ્યક્તિમત્તાનો મહિમા ગાતાં આ ભજનો વેલનાથના પ્રભાવી વ્યક્તિત્વનાં પિરચાયક જણાયાં છે.
સોરઠી પ્રભાતિયાની પરંપરામાં દામાકુંડને પણ ભારે મોટું સ્થાન મળેલું છે. કહેવાય છે કે નરસિંહ મહેતા દામોદર કુંડ સ્નાન માટે જાય ત્યારે રામગરી ગાતા ગાતા જાય, વળતા સમયે પ્રભાતી ગાતા ગાતા પરત થાય અને ઘેરે પહોંચીને પૂજા કરતાં પહેલાં પ્રભાતિયાં ગાય. આમાંથી સમયનો સંદર્ભ પણ પ્રાપ્ત થાય છે અને પ્રભાતિયા પૂર્વે પ્રભાતી તથા રામગરી પ્રકારની રચનાઓનો ખ્યાલ મળે છે. સાથોસાથ પ્રભાત એટલે જ્ઞાનોદય એમ પણ કેટલાક સાધકો માને છે. આપણે નારણ માંડળિયાની પ્રભાતિયારચનાને અવલોકીએ:
જાગો ને ગરવાના રે રાજા
જાગો ને ગરનારી રાજા
તમે જાગો પરભાગ ભયા. ..ટેક઼..
દામો રે કુંડ ગુરૂ વાડી તમારી
ટાઢાં રે જળ એ કરિયાં,
દામા કુંડમાં નાતાંધોતાં
પંડનાં પ્રાછત દૂર થિયાં. જાગો ને ..1
ભવનાથજીમાં મેળો ભરાણો,
કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા,
ભવનાથમાં રે ભજન કરતાં
લખચો રાશીના ફેરા ટળ્યા. જાગો ને ..2
ઊંચું રે શિખર કાળભૈરવનું કહીએ
નીચા વાગેશરીના મોલ રે.
વેદિયા નર ત્યાં વેદ જ વાંચે
મુનિવર તમારં ધ્યાન ધરે. જાગો ને ..3
તાલ પખાજ વેલા જંતરવાગે
ઝાલરએ ઝણકાર ભર્યો,
વેલનાથ ચરણે ગાય નારણ માંડળિયો
શરણે આવીને તમારે રિયો. જાગો ને ..4
વેલનાથ શિષ્ય નારણ અહીં ભૈરવના શિખરસ્થાને બિરાજતા ગરવા ગિરનારના રાજા સમાન ગુરૂને જાગ્રત થવાનું નિવે છે. નારણ ભગત કહે છે કે હે ગુરૂદેવ તમારી વાડી દામોદર કુંડ છે એના શીતળ જળમાં સ્નાન કરીને પોતાનાં પાતકોને દૂર કરી શકાય છે.
ભવનાથની તળેટીમાં મેળો ભરાયો છે અને તેત્રીસ કોટિ દેવતાઓ ત્યાં પધાર્યા છે. આ સ્થાને ભજન કરતાં લખચોરાશીના ફેરા ટળી જતા હોય છે. કાળભૈરવના ઊંચા શિખર ઉપર તમરૂં બેસણાં છે. નીચે વાગેશ્વરીનું સ્થાનક છે. ત્યાં વેદના પારંગત વેદપાઠી-વેદિયા પંડિતો વેદપાઠ કરતા હોય છે. અને મોટા મુનિવરો તમારૂં ધ્યાન-આરાધન કરતા હોય છે.
હે વેલનાથ, ત્યાં જંતર, તાલ-પખવાજ વાગતાં હોય છે. અને ઝાલરીનો ઝણકાર થતો હોય છે. ગુરૂ વેલનાથને ચરણે બેસીને નારણ માંડળિયો કહે છે કે હે ગુરુદેવ હું તો સદાય તમારે શરણે જ રહેવા અવાી ગયો છું.
અહીં વેલનાથના પ્રભાવી વ્યક્તિત્વની અને પ્રચંડ તપસ્વીપણાની વિગતો નિરૂપાઈ છે. ગિરનારી-સોરઠી વાતાવરણમાં ગિરનાર જેના ગરવા ગઢના રાજવી-અધિપતિ વેલનાથની શરણાગતિનું નિરૂપણ એની વેદકક્ષાના સ્થાનનું પિરચાયક છે.
વેલનાથના ચરિત્રને અને ચારિત્ર્યને, તપને અને તાપને તથા સમાજલક્ષિતા અને સંતપરયણતાને નિર્દેશતું આ ભજન ચરિત્રાત્મક પ્રકારનાં ભજનોમાં ભારે મહત્તા પ્રાપ્ત કરીને આજ સુધી જીવંત પરંપરામાં વહેતું રહ્યું છે. આવાં ચરિત્રાત્મક ભજનો દ્વારા સંતચિરત્ર જનસમાજના ચિત્તમાં અંકાઈ રહે છે. સંતોના વ્યક્તિત્વને – અસ્તિત્વને જાળવનારાં આવાં ભજનો એક રીતે કંઠસ્થ પરંપરામાં જળવાતા ઈતિહાસનું ઓરલહિસ્ટ્રીનું પણ ઉદાહરણ છે.
આપણા સાંસ્કૃતિક ઈતિહાસ માટેની સામગ્રી પણ આવાં ભજનો બની શકે, પણ આ માટે સાહિત્યના અભ્યાસીઓએ ઈતિહાસ અને લોકસંસ્કૃતિથી અભિજ્ઞ બનવું અનિવાર્ય બની રહે. એ જ રીતે સામે પક્ષો ઈતિહાસવિદોને પણ આ પ્રકારની સાહિત્યકૃતિઓથી અનભિજ્ઞ રહેવું પાલવશે નહીં. જગતમાં હવે ઈન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝ ખૂબ થાય છે. આપણે એ ક્ષેત્રે આ અભિગમથી સ્વાધ્યાયકાર્ય કરીને આપણા અધીતને પ્રગટાવીએ.
આપણ વાંચો: માનસ મંથનઃ શિષ્ય કેવો હોવો જોઈએ? કોણ શિષ્ય બની શકે?



