વર્ષ 2026માં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડશે, અમેરિકી ટૅરિફને કારણે ભારત સામે વધુ પડકારોઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

નવી દિલ્હીઃ વૈશ્વિક અર્થતંત્ર નબળી વૃદ્ધિ અને સિસ્ટમ ખોરવાઈ જવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાનું વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેનાં તાજેતરનાં ચીફ ઈકોનોમિસ્ટ આઉટલૂકમાં જણાવ્યું છે.
ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ઊભર્યું છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2025 માટેનાં આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.5 ટકા મૂક્યો હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકાએ ભારતથી થતી આયાત સામે લાદેલી 50 ટકા ટૅરિફને કારણે ભારતનાં મહત્ત્વાકાંક્ષી ઉત્પાદન ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેની અસર સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના આઉટલૂક પર થઈ રહી છે.
સર્વેક્ષણ અનુસાર વેપારો ખોરવાઈ જવાં, નીતિવિષયક અનિશ્ચિતતા અને વધી રહેલા ટેક્નોલોજિકલ ફેરફારોને કારણે 72 ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓએ વર્ષ 2026માં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડવાની શક્યતા વ્યક્ત કરતા નિર્દેશ આપ્યો હતો કે સતત થઈ રહેલા વિક્ષેપો અને વધી રહેલા વિભાજન નવાં આર્થિક વાતાવરણનો અંગુલીનિર્દેશ કરી રહ્યા હોવાનું તારણોમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો: જીએસટી સુધારાથી અર્થતંત્રને વેગ મળશે, અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થશે
ત્રણ ચીફ ઈકોનોમિસ્ટ પૈકી એકનું મંતવ્ય એવું હતું કે વર્ષ 2026માં ઊભરી રહેલી બજારો જ વૃદ્ધિનાં મુખ્ય એન્જિનની ભૂમિકા ભજવશે, જેમાં મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (એમઈએનએ), દક્ષિણ અને પૂર્વ એશિયા પેસિફિકનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જોકે, ચીનની આર્થિક વૃદ્ધિનું આઉટલૂક મિશ્ર રહેવાની શક્યતા 56 ટકા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરતા વૃદ્ધિ સાધારણ રહેશે એમ જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવામાં ડિફ્લેશનનું દબાણ રહેવાની સાથે વૃદ્ધિમાં સ્થિરતા જોવા મળે તેમ છે.
આ સિવાય યુરોપમાં નબળી વૃદ્ધિ રહેવાની શક્યતા 40 ટકા અર્થશાસ્ત્રીઓ મૂકી હતી, જ્યારે બાવન ટકા અર્થશાસ્ત્રીઓએ અમેરિકાનો વૃદ્ધિદર નબળોથી અતિ નબળો રહેવાની ધારણા મૂકી છે. વધુમાં ચીફ ઈકોનોમિસ્ટે ચેતવણી આપી હતી કે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રો વધુ અને વધુ વિકેન્દ્રિત વૃદ્ધિના માર્ગો પર છે અને 56 ટકા અર્થશાસ્ત્રીઓએ આગામી ત્રણ વર્ષમાં વધુ વિકેન્દ્રીકરણ થવાની ધારણા મૂકી છે.
આ પણ વાંચો: મારું પોતાનું અર્થતંત્રઃ SIPને બનાવો Sincere Investment Plan
વધુ નવાં આર્થિક વાતાવરણની રૂપરેખાઓ આકાર લઈ રહી છે, જે ટેક્નોલૉજી, સંસાધનો અને સંસ્થાકીય ધોરણે વેપારમાં વિક્ષેપ વ્યાખ્યાયીત કરી રહ્યા હોવાનું વર્લ્ડ ઈકોનોમિક ફોરમનાં મેનેજિંગ ડિરેક્ટર સાદિયા ઝહાદીએ જણાવતા ઉમેર્યું હતું કે નેતાઓએ આજની અશાંતિને આવતીકાલની સ્થિતિસ્થાપકતામાં પરાવર્તિત કરવા માટે તાકીદના ધોરણે સહયોગ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે.
વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ફુગાવામાં તીવ્ર ઘટાડો થવાથી સ્થિર નીતિ ઘડવાનો અવકાશ સર્જાયો છે. ગત જુલાઈ મહિનાનો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેકસ 1.55 ટકા ઘટીને વર્ષ 2017ની નીચી સપાટીએ રહેતાં રિઝર્વ બૅન્કે ઑગસ્ટ મહિનામાં વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. જોકે, ત્યાર બાદ ઑગસ્ટના અંતે ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ વધીને 2.07 ટકાના સ્તરે રહ્યો હતો. જોકે, સરકાર અંદાજપત્રીય ખાધ જીડીપીના 4.4 ટકાના ધોરણે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને જીએસટીનાં દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.