વેપાર

પંજાબ અને મહારાષ્ટ્રમાં બે પ્રોજેક્ટ ફંડિંગ માટે માટે વિશ્વ બૅન્કની મંજૂરી

નવી દિલ્હીઃ આજે વિશ્વ બૅન્કે ભારતનાં પંજાબ અને મહારાષ્ટ્રમાં બે પ્રોજેક્ટ્સ માટેનાં ફંડની મંજૂરી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પંજાબમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં અને મહારાષ્ટ્રમાં નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા માટે નવીન ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને 60 લાખથી વધુ લોકોને લાભ આપશે.

વિશ્વ બૅન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે ગત 25મી નવેમ્બરનાં રોજ ભારતનાં બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેનો લાભ 60 લાખથી વધુ લોકોને થશે. આ પ્રોજેક્ટ અંતર્ગતનાં નવીન ડિજિટલ સોલ્યુશન્સથી પંજાબ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને મહારાષ્ટ્ર રાજ્યમાં નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો થશે.

પંજાબ આઉટકમ્સ એક્સેલરેશન ઈન સ્કૂલ એજ્યુકેશન ઓપરેશન (પીઓઆઈએસઈ) પ્રોગ્રામ (28.6 કરોડ અમેરિકી ડૉલર) પંજાબમાં ટેક્નોલૉજી સહાયથી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. તેમ જ 13 લાખ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અને 22 લાખ વિદ્યાર્થીઓ માધ્યમિક શાળામાં નોંધાવાનું સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત 59 લાખ વિદ્યાર્થીઓને બાળપણના શિક્ષણમાં સહાય કરવામાં આવશે.

આપણ વાચો: રમતગમતમાં ડોપિંગ સામે લડાઈમાં વૈશ્વિક સહયોગ માટે ભારત પ્રતિબદ્ધ -ડો માંડવિયા

વધુમાં મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ઓન ક્લાઈમેટ રિસાયલન્ટ એગ્રિકલ્ચર (પીઓસીઆરએ)નાં બીજા તબક્કા (49 કરોડ અમેરિકી ડૉલર) અંતર્ગત ઉત્પાદકતામાં વધારો થશે અને ચોકસાઈવાળી ખેતી પદ્ધતિઓમાં ડિજિટલ ટેક્નોલૉજી અપનાવીને સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવામાં આવશે.

આ પદ્ધતિ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ખાતરી આપે છે કે પાક અને માટીના કસ અને ઉત્પાદકતા માટે જે જોઈએ તે બરોબર મળે છે. આથી ઉત્પાદન વધુ થાય અને પાકનો બગાડ પણ અટકાવી શકાય છે.

આ ઉપરાંત આ પ્રોજેક્ટથી જમીનનાં રસકસ અથવા તો સ્વાસ્થ્યમાં સુધારો, પોષકતત્ત્વોના વહીવટીકરણ અને પાણીના અસરકારક ઉપયોગથી મહારાષ્ટ્રની 2.9 લાખ મહિલાઓ સહિત નાના અને સીમાંત ખેડૂતોને લાભ થશે.

તેમ જ પ્રતિકૂળ હવામાન સામે પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થતાં મહારાષ્ટ્રનાં 21 જિલ્લાઓનાં નાના ખેડૂતોની આવકમાં અંદાજે 30 ટકા જેટલો વધારો થશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button