વેપાર

ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા તૂટીને ૮૪ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજી અટકવાની સાથે તિવ્ર ઘટાડો જોવા મળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૪ની સપાટી પાર કરીને ૮૪.૦૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૨ અને ઉપરમાં ૮૩.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૪.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા રૂપિયા પર માઠી અસર પડી હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો, ગત ઑગસ્ટ મહિનાના સર્વિસીસ પીએમઆઈ આંક ગત જુલાઈ મહિનાના ૬૦.૩ સામે અને બજારના અપેક્ષિત ૬૦.૪ સામે વધીને ૬૦.૯ની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટીને ૧૦૧.૬૫ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૪૬ ટકા ઘટીને બેરલદીઠ ૭૩.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૦૨૯.૨૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૦૨.૮૦ પૉઈન્ટનો અને ૮૧.૧૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button