વેપાર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સમક્ષ મગજતરીની આયાત મંજૂરીની અપીલ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને તરબૂચના બીજ (મગજતરી)ની અછતને કારણે ૧૫૦થી વધુ નાના એકમો બંધ થવાના આરે હોવાનું જણાવતા તેની આયાતની મંજૂરી માટે કૃષિ સંગઠઓએ અપીલ કરી છે.


તરબૂચના બીજનો રાજસ્થાની મીઠાઈ અને નમકીન, મુખવાસ બનાવવા સ્થાનિક રીતે ઘણો વપરાશ થાય છે અને નિકાસ પણ કરવામાં આવે છે. તરબૂચના બીજના ભાવ ખૂબ ઊંચે જતા બજારમાં મોટો અવરોધ ઊભો થયો છે. તરબૂચના બીજની માગ સુદાનથી આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે, જો કે હાલમાં આયાતકારોને મગાવવાની મંજૂરી ના હોવાનું જણાવતાં એગ્રી ફાર્મર્સ એન્ડ ટ્રેડ એસોસિએશનના પ્રમુખ સુનીલ બલદેવા કહે છે કે, ભારતની માગનો આયાત સિવાયનો અડધો ભાગ રાજસ્થાનના જોધપુર, બાડમેર અને બિકાનેરના ઉત્પાદન દ્વારા પૂરો થાય છે.


જોકે, ઉક્ત તમામ વિસ્તારોમાં આખા વર્ષ દરમિયાન વરસાદની અછત રહી હોવાને પરિણામે ૨૦-૨૫ ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ ટન ઉપજ થઇ છે, જે સામાન્ય રીતે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ ટન હોય છે, એમ જણાવતચાં બિકાનેર જીલ્લા ઉદ્યોગ સંઘના પ્રમુખ દ્વારકા પ્રસાદ પચીશીયાએ કહ્યું કે અછતના પરિણામે ભાવમાં રૂ. ૧૫૦નો વધારો થયો છે એટલે કે જે ઉત્પાદન અગાઉ રૂ.૨૫૦ના ભાવે વેચાતું હતું તે હવે બજારમાં રૂ. ૪૦૦ના ભાવે પહોંચી ગયું છે.


જોધપુરમાં ૧૫૦થી વધુ નાના એકમો હાલની પરિસ્થિતિઓને કારણે બંધ થવાના આરે છે. બજારના બેથી ત્રણ ખેલાડીઓ દ્વારા ઉત્પાદનોના સંગ્રહને કારણે સ્થિતિ વધુ વણસી છે. કૃષિ કોમોડિટી નાશવંત હોવાથી, બજાર માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે તે ખૂબ જરૂરી છે, એવી સંગઠનોએ સરકારને અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button