સપ્ટેમ્બરમાં વનસ્પતિ તેલની આયાતમાં 51 ટકાનો ઉછાળો | મુંબઈ સમાચાર
વેપાર

સપ્ટેમ્બરમાં વનસ્પતિ તેલની આયાતમાં 51 ટકાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
દેશના ખાદ્યતેલ ઉદ્યોગના અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં વનસ્પતિ તેલની આયાત સપ્ટેમ્બર, 2024નાં 10,87,489 ટનની સામે 51 ટકાના ઉછાળા સાથે 16,39,743 ટનની સપાટીએ રહી છે જેમાં ખાદ્યતેલની આયાત 16,04,643 ટન અને 35,100 ટન અખાદ્યતેલનો સમાવેશ હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.

જોકે, ગત નવેમ્બરથી શરૂ થયેલા વર્તમાન તેલ મોસમ 2024-25નાં પહેલા 11 મહિનામાં વનસ્પતિ તેલની આયાત ગત મોસમના સમાનગાળાના 1,47,75,000 ટન સામે ત્રણ ટકાના ઘટાડા સાથે 1,43,30,723 ટનની સપાટીએ રહી હોવાનુ યાદીમાં ઉમેર્યું છે.

આપણ વાંચો: દાયકા જૂની અરાજકતાનો અંત લાવવા ખાદ્યતેલની અનુમાનિત ટૅરિફ નીતિની આવશ્યકતાઃ અભ્યાસ

દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં થયેલી કુલ 16,04,643 ટન ખાદ્યતેલની આયાતમાં ક્રૂડ પામતેલ, આરબીડી પામોલિન અને ક્રૂડ પામ કર્નેલ તેલની આયાત 8,29,017 ટનની, સોયાબીન તેલની આયાત 5,03,240 ટનની અને સનફ્લાવર તેલની આયાત 2,72,386 ટનની સપાટીએ રહી હતી.

તેમ જ વર્તમાન તેલ મોસમ 2024-25માં ગત નવેમ્બરથી સપ્ટેમ્બર સુધીનાં સમયગાળામાં થયેલી કુલ 70,21,987 ટન (63,66,063 ટન) ખાદ્યતેલની આયાતમાં આરબીડી પામોલિન, ક્રૂડ પામતેલ અને ક્રૂડ પામ કર્નેલ તેલની આયાત 69,60,813 ટન (81,69,893 ટન)ની સપાટીએ રહી હતી, જ્યારે સોફ્ટ તેલમાં સોયાબીન તેલની આયાત 43,93,986 ટન (30,98,985 ટન)ની અને સનફ્લાવર તેલની આયાત 26,22,001 ટન (32,67,078 ટન)ની સપાટીએ રહી હતી આ સિવાય આ સમયગાળામાં 6000 ટન રાયડાતેલની પણ આયાત થઈ હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

વધુમાં યાદીમાં જણાવ્યાનુસાર ગત પહેલી ઑક્ટોબરના રોજ દેશનાં વિવિધ બંદરો પર 10.29 લાખ ટન અને પાઈપલાઈનમાં 9.75 લાખ ટન મળી કુલ 20.04 લાખ ટન તેલનો સ્ટોક રહ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button