અમેરિકી શટડાઉનઃ સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનાએ 3900 ડૉલરની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉન, વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3900 ડૉલરની ઉપરની સપાટીએ અને ચાંદીના ભાવ 14 વર્ષની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી જોવા મળી હતી, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2285થી 2295નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3223નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3223ની તેજી સાથે રૂ. 1,48,833ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો.
આપણ વાંચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
વધુમાં આજે સોનામાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2285 વધીને રૂ. 1,18,771 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2295 વધીને રૂ. 1,19,249ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી અને માત્ર છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી હતી.
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં હાજરમાં એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3949.34 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે 1.4 ટકા વધીને આૈંસદીઠ 3940.04 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 1.4 ટકા વધીને 3964.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત માર્ચ મહિનામાં હાજરમાં સોનાના ભાવે આૈંસદીઠ 3000ની સપાટી પાર કરી હતી. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ 1.2 ટકા વધીને આૈંસદીઠ 48.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આંશિક શટડાઉનનો અંત લાવવા માટે કૉંગે્રસનલ ડેમોક્રેટ્સ સાથે વાટાઘાટ કરવાનો નિર્ણય લીધો છે અને જો આ વાટાઘાટ સફળ નહીં થાય તો મોટી માત્રામાં સરકારી કર્મચારીઓની છટણી જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આમ એકંદરે અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવા આશાવાદને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું એફએક્સટીએમનાં વિશ્લેષક લુકમાન ઓટુન્ગાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.