નીલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં મંગળવારના દિવસે સેન્સેક્સમાં ૧૦૪૬ પોઇન્ટનો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ૧૦૬૪.૧૨ પોઇન્ટ અથવા તો ૧.૩૦ ટકાના કડાકા સાથે મંગળવારે ૮૦,૬૮૪.૪૫ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૩૨.૨૫ પોઇન્ટ અથવા તો ૧.૩૯ ટકાના કડાકા સાથે ૨૪,૩૩૬ પોઇન્ટની સપાટીએ સેટલ થયો છે.
આ કડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વની વ્યાજદરના નિર્ણય માટેની બેઠકની શરૂઆત અગાઉનું સાવચેતીનું માનસ માનવામાં આવે છે. હવે યુએસ ફેડરલ રિઝર્વની આ બહુપ્રતિક્ષિત બેદિવસીય બેઠક શરૂ થઇ ગઇ છે.
નોંધવું રહ્યું કે, આ બેઠક વર્ષ ૨૦૨૪ની અંતિમ બેઠક હશે અને જાન્યુઆરી ૨૦૨૫માં ટ્રમ્પ નવા પ્રમુખ તરીકે વહીવટીતંત્ર સંભાળે તે પહેલાં, ફેડરલના ગવર્નર જેરોમ પોવેલ બુધવારે વ્યાજ દરોમાં વધુ ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે.
આ અપેક્ષા સર્વવ્યાપક છે અને તેને આધારે જ નિફ્ટીએ આ મહિને પહેલેથી જ બે ટકાથી વધુની તેજી નોંધાવી હોવાથી, વ્યાજદરના સંભવિત ઘટાડાની અસર મોટાભાગે બજારે પચાવી લીધી હોય એવું લાગે છે. બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો વ્યાજદરની કપાતને સ્થાને ફેડરલના ટોન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો ફેડરલનું વલણ હોકિશ જ રહેશે તો રેટ કટ ેક નોન-ઇવેન્ટ બની રહે એવી પણ સંભાવના હોવાનું નિષ્ણાતોનું માનવું છે.