અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅરિફને બે્રક મારતાં વૈશ્વિક સોનામાં નરમાઈ
સોના-ચાંદીમાં સામસામા રાહઃ ચાંદી રૂ. 218 વધી, સોનામાં રૂ. 870ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકી ફેડરલ કોર્ટે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં રેસિપ્રોકલ ટૅરિફને સત્તાનો અતિરિક્ત ઉપયોગ તરીકે લેખાવીને બ્લોક કરતા અથવા તો બે્રક મારતા વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક અહેવાલોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 867થી 870નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 218 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે જ્વેલરી ઉત્પાદકો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 218 વધીને રૂ. 97,667ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 867 વધીને રૂ. 94,450 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 870 ઘટીને રૂ. 94,830ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં એક તક્ક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત 20મી મે પછીની નીચી સપાટી સુધી ક્વૉટ થયા બાદ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 3271.17 ડૉલર અને વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 3268.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 33.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ટ્રેડ કોર્ટે ટ્રમ્પના ટૅરિફને અટકાવતા ચૂકાદામાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ અમેરિકા સાથે વેપારી પુરાંત ધરાવતા દેશોની આયાત પર સાર્વત્રિક ટૅરિફ લાદીને પોતાના અધિકારોનો ભંગ કર્યો છે. અમેરિકી કોર્ટના આ નિર્ણય અને તેને કારણે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ વધી દબાણ હેઠળ આવ્યા હોવાનું એબીસી રિફાઈનરીનાં ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટનાં હેડ નિકોલસ ફ્રેપલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પ ફાર્મા પર પણ ટૅરિફ લાદે તો ભારતની હાલત ખરાબ થઈ શકે છે
નોંધનીય બાબત એ છે કે ગત બીજી એપ્રિલના રોજ ઘણાં દેશો સામે રેસિપ્રોકલ ટૅરિફ લાદ્યા હતા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ સપાટી પર આવી હતી. જોકે, ત્યાર બાદ ઘણાંખરા દેશો સામેની ટૅરિફનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર ટ્રમ્પના વહીવટીતંત્રએ કોર્ટના આ આદેશને પડકારતી નોટિસ મોકલી છે અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં પણ આ નિર્ણયને પડકારવામાં આવશે, એવા સંકેત આપ્યા હતા.
હાલમાં સોનાના વૈશ્વિક ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં લાંબા સમયગાળે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ફુગાવાલક્ષી દબાણ જળવાઈ રહે તેવી શક્યતા પ્રબળ હોવાથી સોનામાં અન્ડરટોન મજબૂત જ રહે તેવી શક્યતા ફ્રેપલે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પના ટૅરિફના વારને ખાળવા મુત્સદ્દીગીરીની જરૂર
વધુમાં ગત 6-7 મેની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ફુગાવામાં અને બેરોજગારીના દરમાં વધારો થવાની ચિંતા વ્યક્ત કરી હતી અને ફેડરલ પાસે ફુગાવામાં નિયંત્રણ અને બેરોજગારીમાં ઘટાડા માટે તંગ નાણાનીતિ રાખવી કે આર્થિક વૃદ્ધિ અને રોજગારી વધારવા માટે હળવી નાણાનીતિ અપનાવવી એમ બે વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.