અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 2023નો કડાકો, રૂ. 95,000ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચેની જિનિવા ખાતેની બેઠકમાં વાટાઘાટો સફળ રહી હોવાનાં નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરી ગઈ હતી અને રોકાણકારો ઈક્વિટી જેવી જોખમી અસ્કયામતો તરફ વળતાં આજે સોનાના હાજર ભાવમાં 1.4 ટકાનો અને વાયદામાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો.
આમ વૈશ્વિક અહેવાલોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવે 10 ગ્રામદીઠ રૂ. 2015થી 2023ના કડાકા સાથે રૂ. 95,000ની સપાટી ગુમાવી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 191નો સુધારો આવ્યો હતો.
આપણ વાંચો: વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ છતાં સ્થાનિકમાં રૂ. 383નો ઘટાડો, ચાંદી રૂ. 461 વધી…
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 191ના સાધારણ સુધારા સાથે રૂ. 95,917ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ પાંખી રહેતા 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2015 ઘટીને રૂ. 94,015ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2023ના ઘટાડા સાથે રૂ. 94,393ના મથાળે રહ્યા હતા.
અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલનાં આશાવાદ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.4 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 3277.84 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે બે ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 3279.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 32.94 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ
ગઈકાલે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોનો અંત સકારાત્મક રહ્યો હતો. અમેરિકી અધિકારીઓએ ચીન સાથેની વેપાર ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો હતો, જ્યારે ચીની અધિકારીઓએ મહત્ત્વના મુદ્દાઓ પર સહમતી સધાઈ હોવાનું જિનિવા ખાતેથી એક યાદીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ચીન અને અમેરિકાએ ટૅરિફના મુદ્દે જેવા સાથે તેવાની નીતિ અપનાવી હોવાથી ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવી હતી.
સામાન્યપણે આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે અને હવે ટ્રેડ વૉરની ચિંતા હળવી થવાથી આજે સોનામાં સલામતી માટેની માગ ઓસરી હતી. તેમ જ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં સોનાના વૈશ્વિક ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવ્યું હતું.
દરમિયાન ગત શુક્રવારે બેથ હેમ્મેક ફેડનાં પ્રમુખ ક્લેવલેન્ડે જણાવ્યું હતું કે ટ્રમ્પની ટૅરિફ અને વેપારની નીતિઓ સ્પષ્ટ ન થાય અને તેની અર્થતંત્ર પર કેવી અસર પડશે તેની સમીક્ષા વિના ફેડરલ રિઝર્વની વ્યાજદરમાં કપાત અંગેની સ્પષ્ટતા જોવા નહીં મળે આથી વ્યાજદરમાં કપાતનો આધાર આગામી આર્થિક ડેટાઓ પર જ અવલંબિત રહેશે.
જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. એકંદરે તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં પુનઃ મજબૂત વલણ જોવા મળી રહ્યું હોવાથી નજીકના ભવિષ્યમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3200 ડૉલરની સપાટી સુધી ઘટે તેવી શક્યતા ત્રિવેદીએ વ્યક્ત કરી હતી.