એપ્રિલથી ઑક્ટોબરમાં યુરિયાની આયાતમાં બે ગણો ઉછાળો, સ્થાનિકમાં કોઈ અછત નથીઃ સરકાર

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન દેશમાં યુરિયાની આયાત ગત સાલના સમાનગાળાની સરખામણીમાં બે ગણી થઈ છે અને વર્તમાન વાવેતર મોસમ માટે ફર્ટિલાઈઝરનો પૂરતો પુરવઠો હોવાનું સરકારે જણાવ્યું છે.
ગત એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન દેશમાં કૃષિ ગે્રડના યુરિયાની આયાત આગલા વર્ષના સમાનગાળાના 24.76 લાખ ટન સામે બમણાં કરતાં વધીને 58.62 લાખ ટનની સપાટીએ રહી હોવાનું રસાયણ અને ખાતર મંત્રાલયે એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે અંદાજે 17.5 લાખ ટનની આયાત પાઈપલાઈનમાં છે જે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આવશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
ડિપાર્ટમેન્ટ ઑફ ફર્ટિલાઈઝરે વર્તમાન 2025ની ખરીફ-રવી મોસમમાં યુરિયા સહિતના ફર્ટિલાઈઝરનો પૂરતો પુરવઠો જળવાઈ રહેવાની બાંયધરી આપતા જણાવ્યું છે કે ખેડૂતોને યુરિયાની જરૂરી માત્ર કોઈપણ અછત વિના ઉપલબ્ધ થશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશમાં યુરિયાની ઉપલબ્ધિ 230.39 લાખ ટનની છે, જ્યારે તેની સામે માગનો અંદાજ 185.39 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે અને વેચાણ 193.20 લાખ ટનનું થયું છે જે દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધિનો નિર્દેશ આપે છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: જરૂરિયાત મુજબ પાંચથી વધુ યુરિયા ખાતરની બેગ મળશે…
વર્ષ 2025ની ખરીફ મોસમમાં ખેડૂતોએ વર્ષ 2024ની મોસમની સરખામણીમાં યુરિયાનો વધુ 4.08 લાખ ટનનો વપરાશ કર્યો હતો. એકંદરે સ્થાનિકમાં માગ અને પુરવઠા વચ્ચેનો ખાંચરો સરભર કરવા માટે સરકારે આયાત વધારવા નોંધપાત્ર પ્રયાસ કર્યા છે. યુરિયાની આયાતમાં વધારો થવાને કારણે માત્ર ખરીફ મોસમની માગ જ સંતોષાઈ નથી, પરંતુ રવી મોસમ માટે પર્યાપ્ત બફર સ્ટોકનું પણ નિર્માણ થયું છે. પરિણામે દેશમાં કુલ યુરિયાનો સ્ટોક જે પહેલી ઑક્ટોબર, 2025ના રોજ 48.64 લાખ ટનનો હતો તે 31મી ઑક્ટોબર, 2025ના રોજ વધીને 68.85 લાખ ટનની સપાટીએ રહ્યો હતો.
સ્થાનિકમાં ગત ઑક્ટોબર મહિનામાં યુરિયાનું ઉત્પાદન 1.05 લાખ ટન વધીને 26.88 લાખ ટનની સપાટીએ રહ્યું હતું, જ્યારે ગત એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન માસિક સરેરાશ ઉત્પાદન 25 લાખ ટન આસપાસ થયું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.



