ટ્રેડ વૉર: અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં અન્ડરટોન મજબૂત
કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં રેસિપ્રોકલ ટૅક્સ સહિત ટેરિફ વૃદ્ધિનાં નિર્ણયોમાં અનિશ્ચિતતાઓ અને ટેરિફ વૃદ્ધિને કારણે અમેરિકી અર્થતંત્ર પર માઠી અસર પડવાની સાથે ફુગાવામાં પણ વધારો થવાની શક્યતા પ્રબળ હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ કરે તેમ હોવાથી ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે નફારૂપી વેચવાલીનાં આંચકાઓ પચાવીને સોનાના ભાવમાં મક્કમ વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો.
જોકે, વિશ્વ બજારમાં ડૉલર નબળો પડવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 42 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટી આવતા વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનાના ભાવમાં વધારો મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતનાં 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 28મી ફેબ્રુઆરીના રૂ. 85,056ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 85,020ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 85,020 અને ઉપરમાં રૂ. 86,456ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 1003 અથવા તો 1.18 ટકા વધીને રૂ. 86,059ના મથાળે બંધ રહ્યા હતા.
જોકે, તાજેતરમાં સોનાના ભાવ વિક્રમ સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી તેમ જ હોળાષ્ટકનો આરંભ થઈ ગયો હોવાથી સપ્તાહ દરમિયાન એકંદરે સોનામાં રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ ગત પહેલી એપ્રિલથી શરૂ થયેલા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25નો અંતિમ માસ હોવાને કારણે જ્વેલરો તેનાં હિસાબો સરભર કરવામાં વ્યસ્ત હોવાને કારણે જ્વેલરોની લેવાલી પણ શુષ્ક રહી હોવાનું કોલકતાસ્થિત જેજે ગોલ્ડ હાઉસનાં હોલસેલર હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું.
એકંદરે સોનામાં માગ ઓછી હોવાથી બજારમાં શાંત વાતાવરણ છે અને બૅન્કો દ્વારા સોનાની આયાત પણ નહીંવત્ જેવી હોવાથી પુરવઠાસ્થિતિ તંગ હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે નિરસ માગને કારણે હાલ સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ 10થી 21 ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ક્વૉટ કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેનાં સપ્તાહે ડિસ્કાઉન્ટ ઔંસદીઠ 12થી 27 ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું.
વૈશ્વિક સોનાના ભાવમાં ગત સપ્તાહે ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવાનું સિંગાપોર ખાતે માગ છૂટીછવાઈ રહી હોવાથી સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ 50 સેન્ટનાં ડિસ્કાઉન્ટથી લઈને ત્રણ ડૉલર સુધીનાં પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હોવાનું ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલના મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું.
સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે મુખ્યત્વે રોકાણકારોની લાંબાગાળાનાં રોકાણ માટે માગ રહેતી હોય છે અને લાંબા સમયગાળા માટે સોનામાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાથી છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી હતી તેમ છતાં આગલા સપ્તાહની સરખામણીમાં માગ ઓછી રહી હોવાનું વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલનાં હેડ પીટર ફંગે જણાવતાં ઉમેર્યું હતું કે ચીન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એકથી ત્રણ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. જોકે, ગત ફેબ્રુઆરીના અંતે ચીનની સોનાની અનામત વધીને 7.361 કરોડ ટ્રિલિયન ફાઈન ઔંસની સપાટીએ રહી હોવાના અહેવાલ હતા.
એકંદરે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં ટેરિફનાં નિર્ણયોમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાઓને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં વૈશ્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે 1.7 ટકાની તેજી જોવા મળી છે. અગાઉ ચીન અને મેક્સિકો પર લાદવામાં આવેલી ટેરિફ રદ કરવામાં આવી હોવાથી નાણાં અને ઈક્વિટી બજારોમાં અનિશ્વિતતા તથા રોકાણકારોમાં ફુગાવાની અને આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો અને સોનામાં સલામતી માટેની માગ ખૂલી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી બેઠક 18-19 માર્ચનાં રોજ યોજાનાર છે. જોકે, ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે તેઓ રેટ કટની વિરુદ્ધ હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે જો ફુગાવાલક્ષી દબાણ ઓછું થશે તો વર્ષનાં પાછોતરા હિસ્સામાં રેટ કટની શક્યતા નકારી ન શકાય. તેમ જ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ ગત શુક્રવારે જણાવ્યું હતું કે હાલમાં અમેરિકી અર્થતંત્ર સારી ગતિએ વૃદ્ધિ પામી રહ્યું હોવાથી આગામી બેઠકમાં સાવચેતીનો અભિગમ અપનાવવામાં આવશે.
આ પણ વાંચો…અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
ગત સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના રોજગારીના ડેટામાં રોજગારીમાં વૃદ્ધિ ધારણા કરતાં ઓછી જોવા મળી હોવાથી અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દબાણ હેઠળ રહે તેવી શક્યતા પ્રબળ હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ટેરિફ અંગેની અનિશ્ર્ચિતતા તથા રાજકીય-ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અમારા મતે આગામી સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ માટે ઔંસદીઠ 2890 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 2940 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 82,400થી 86,800ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં નફારૂપી વેચવાલીના દબાણ વચ્ચે હાજરમાં ભાવ આગલા બંધ સામે સાધારણ 0.1 ટકા ઘટીને ઔંસદીઠ 2906.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, ટ્રમ્પની ટેરિફની અનિશ્ચિતતા અને ગત ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષિત 1,60,000 રોજગાર વૃદ્ધિ સામે 1,51,000નો વધારો થયો હોવાથી સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 2914.10 ડૉલરના મથાળે રહ્યા હતાં.