વૈશ્વિક ચાંદી 39 ડૉલરની લગોલગ પહોંચતા સ્થાનિકમાં રૂ. 3483ની ઝડપી તેજી, સોનું રૂ. 586 ઝળક્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિરકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી પહેલી ઑગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે 30 ટકા ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સલામતી માટેની વ્યાપક લેવાલી રહેતાં સોનાના ભાવમાં વધુ 0.1 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકિય આકર્ષણ વધુ રહેતાં ભાવમાં 1.50 ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો અને ભાવ 39 ડૉલરની લગોલગ પહોંચ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી પ્રબળ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 3483ની ઝડપી તેજી ફૂંકાઈ ગઈ હતી. તેમ જ સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવલી ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડીને 86ની સપાટીએ પહોંચતા સોનાની આયાત પડતરો પણ વધી આવતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 584થી 586નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં તેજીનું વલણ રહેતા સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ વધ્યું હતું. તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3483ના ઉછાળા સાથે રૂ. 1,13,773ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજી આગળ ધપતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 584 વધીને રૂ. 97,705 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 586 વધીને રૂ. 98,097ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણલક્ષી માગ જોવા મળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે પહેલી ઑગસ્ટથી 30 ટકા ટૅરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત સાથે ટ્રેડ વકરવાની અને આર્થિક અનિશ્ચિતતા વધુ ઘેરી બને તેવી ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકા વધીને ગત 23 જૂન પછીની ઊંચી આૈંસદીઠ 3359.69 ડૉલર આસપાસ તથા વાયદામાં ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 3373 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 1.5 ટકાની તેજી સાથે આૈંસદીઠ 38.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાની વૈશ્વિક વેપાર નીતિને ધ્યાનમાં લેતા અનિશ્ચિતતામાં વધારો થવાથી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગને ટેકે તેજીનો અન્ડરટોન જોવા મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે જો આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ આૈંસદીઠ 3360 ડૉલરની ઊપરની રેન્જમાં જળવાઈ રહે તો ભાવ વધીને આૈંસદીઠ 3435ની પ્રતિકારક સપાટી સુધી પહોંચી શકે છે.
વેપારી ભાગીદાર દેશો સાથે એક સપ્તાહ સુધી ચાલેલી વાટોઘાટોમાં કોઈ નક્કર પરિણામો ન આવતા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે પહેલી ઑગસ્ટથી 30 ટકા ટૅરિફની ધમકી ઉચ્ચારી છે અને મેક્સિકો તથા યુરોપિયન યુનિયને આ ટૅરિફને ગેરવાજબી લેખાવી હતી. તેમ જ યુરોપિયન યુનિયને જણાવ્યું હતું કે તેઓ ઑગસ્ટના આરંભ સુધી અમેરિકાની ટૅરિફ સામે લીધેલા વળતા પગલાંની મુદત વધારશે અને વાટાઘાટોથી સમાધાનનાં પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલનાં વ્યાજદરમાં કપાત માટે નિર્ણાયક પુરવાર થનારા આવતીકાલે (મંગળવારે) જાહેર થનારા અમેરિકાના જૂન મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. તેમ છતાં બજાર વર્તુળોનું માનવું છે કે આગામી ડિસેમ્બરના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટ સુધીનો ઘટાડો કરશે.