વેપાર

ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે ૧૦ ટકા શેર રિઝર્વ રહેશે

મુંબઇ: ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજિસના આઈપીઓની બજારમાં ખાસ રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ટાટા ટેકનોલોજીસના આઈપીઓમાં ટાટા મોટર્સના શેરધારકો માટે ૧૦ ટકા શેર રિઝર્વ રાખવામાં આવશે.

આ ઉપરાંત ટાટાના કર્મચારીઓ પણ શેર રિઝર્વ રહેશે. ટાટા ટેક.એ જણાવ્યું છે કે આ પબ્લિક ઈશ્યૂમાં તે ૯.૫૭ કરોડ શેર ઓફર કરશે જેની ફેસ વેલ્યૂ બે રૂપિયા હશે. મહત્ત્વની વાત એ છે કે ટાટા ટેક.ના આઈપીઓ માટે ડિસ્કાઉન્ટ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેવી જ રીતે આ આઈપીઓ બજારમાં ક્યારે આવશે તેની ચોક્કસ તારીખ નથી આપી. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આઈપીઓ આવે તેવી સંભાવના છે.

ટાટા ટેક્નોલોજિસના આઈપીઓ માટે શેરમાર્કેટની નિયમનકાર સેબી સમક્ષ ડીઆરએચપી દાખલ કરી દેવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે કુલ ઓફર ફોર સેલમાં ૧૦ ટકા હિસ્સો ટાટા મોટર્સના શેરધારકો માટે અનામત રહેશે. કર્મચારીઓને કુલ પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલના ૦.૫ ટકા ફાળવવામાં આવશે. આ શેર્સ પ્રપોર્શનના આધારે એલોકેશન માટે ઉપલબ્ધ રહેશે.

લગભગ બે દાયકા પછી ટાટા ગ્રૂપની કંપનીનો પબ્લિક ઈશ્યૂ આવી રહ્યો છે. તેમાં ટાટા મોટર્સ અને અન્ય કંપનીઓ દ્વારા આ કંપનીનો ૨૩.૬ ટકા હિસ્સો વેચવામાં આવશે. આ આઈપીઓમાં ટાટા મોટર્સ તેના ૨૦ ટકા શેર વેચશે જ્યારે આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પીઈ દ્વારા ૨.૪૦ ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા ૧.૨૦ ટકા હિસ્સો વેચવામાં આવશે.

ટાટા ટેકનોલોજિસના આઈપીઓમાં અડધા શેર એટલે કે ૫૦ ટકા જેટલા શેર ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે રિઝર્વ રાખવામાં આવશે જ્યારે નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ ને ૧૫ ટકા કરતા વધારે શેર નહીં મળે. આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લગભગ ૩૫ ટકા જેટલા શેર રિઝર્વ રાખવામાં આવશે. ટાટા જૂથ છેલ્લે બે દાયકા અગાઉ ટીસીએસનો આઈપીઓ લાવ્યું હતું. તેમાં ઈન્વેસ્ટરોને જે ફાયદો થયો હતો તેને ધ્યાનમાં રાખતા આ આઈપીઓ માટે પણ ખાસ રાહ જોવાઈ રહી છે. ટાટા મોટર્સ હાલમાં ટાટા ટેક્નોલોજિસમાં ૭૪.૬૯ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ પાસે અનુક્રમે ૭.૨૬ ટકા અને ૩.૬૩ ટકા હિસ્સો છે. આ આઈપીઓની સાઈઝ હજુ નક્કી કરવામાં નથી આવી પરંતુ એક અંદાજ પ્રમાણે તેમાં ટાટા ટેક્નોલોજિસની વેલ્યૂ ૧૬,૦૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવે તેવી શક્યતા છે. ટાટા ટેકનોલોજીસ આઇપીઓમાં ટાટા મોટર્સ દ્વારા ૮.૧૧ કરોડ શેર, આલ્ફા ટીસી દ્વારા ૯.૭૧ કરોડ અને ટાટા કેપિટલ ગ્રોફ ફંડ દ્વારા ૪૮.૫૮ લાખ શેર વેચવામાં આવશે. કંપનીએ આ આઈપીઓને પાર પાડવા માટે જે એમ ફાઈનાન્શિયલ, બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝને નિયુક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button