વેપાર

સ્ટેટ્સ અને ધંધાની સફળતાને કશો સંબંધ નથી

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ધંધાની સફળતામાં તેનું બેકગ્રાઉન્ડ અને તેનું સેલિબ્રિટી સ્ટેટ્સ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું કારણ એ છે કે જો આ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટને એડવર્ટાઈઝ કરતી હોય અને તે પ્રોડક્ટ માર્કેટમાં સફળ જતી હોય તો તે સેલિબ્રિટી પોતે જ કોઈ પ્રોડક્ટ લૉન્ચ કરે તો સ્વાભાવિક છે કે સફળ થવાની જ! લોકોની આ દલીલ મહદ્ અંશે સાચી પણ હોઈ શકે છે કારણ કે ધંધામાં કે વ્યવસાયમાં જો બિઝનેસમેન કે વુમન કે વ્યવસાયમાં પ્રોફેશનલનો ચહેરો જાણીતો હોય તો અડધી જંગ તો ત્યાં જ જીતી જવાય છે કારણ કે કોઈપણ ધંધામાં કે વ્યવસાયમાં સૌથી વધારે સમય, મહેનત, ખર્ચા તેની પહેચાન બનાવવામાં જ જતા હોય છે, પરંતુ ધંધામાં પ્રોડક્ટની સફળતામાં સેલિબ્રિટી સ્ટેટ્સ તો આખી પ્રક્રિયાનો એક માત્ર ભાગ જ છે, ધંધાની સફળતામાં બીજાં ઘણાં પરિબળો પણ અગત્યનો ભાગ ભજવે છે અને તેમાં મુખ્ય છે સ્વપ્ન, ધગશ, તનતોડ મહેનત, નિષ્ફળતા પચાવવાની તાકાત અને ખુદમાં વિશ્ર્વાસ અને તેથી જ વિશ્ર્વમાં સફળતાનો ઈતિહાસ સેલિબ્રિટીઓ નથી પણ રેગ્સ ટુ રીચીસથી ભરેલો છે.

નિષ્ફળ સેલિબ્રિટી એન્ટરર્પ્યુનર્સ: આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક વખતના એવરગ્રીન એક્ટર કે જેનું થોડા મહિનાઓ પહેલા અવસાન થયેલું છે તેઓ બહુ સારા એકટર હતા અને તેની એક આગવી સ્ટાઈલ હતી પણ જ્યારે ૭૦ના દશકાથી તેમણે ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શનમાં ઝંપલાવ્યું ત્યારથી અત્યાર સુધીમાં કેટલીય ફિલ્મો બનાવી પણ તેમાંથી ભાગ્યે જ કોઈ ફિલ્મો સફળ થયેલી હતી અને સદંતર નિષ્ફળ ફિલ્મો તો પુષ્કળ હતી. આ તો વાત થઈ કે સેલિબ્રિટી તેની લાઈનની જ પ્રોડક્ટ લોન્ચ કરે પણ ઈતિહાસમાં એવા દાખલાઓ છે કે જ્યારે આ સેલિબ્રિટીઓ સાવ અજાણ લાઈનમાં કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે ત્યારે તો તેના બહુ બૂરા હાલ થાય છે.

કેની વેસ્ટ: ૧૯૭૭માં જન્મેલ અમેરિકન સિંગર કેની વેસ્ટે ૨૦૦૪માં “ધ કૉલેજ ડ્રોપ આઉટ, ૨૦૦૫માં “લેટ રજિસ્ટ્રેશન’, ૨૦૦૭માં “ગ્રેજ્યુએશન, ૨૦૦૮માં “૮૦૮ ઍન્ડ હાર્ટબ્રેક અને ૨૦૧૦માં “માઈ બ્યુટીફુલ ડાર્ક ટ્વિસ્ટેડ ફેન્ટીસેર સોલો આલ્બમ બહાર પાડેલા અને બધાની લાખો કોપીઓ વેચાયેલી હતી. ૨૦૧૨ સુધીમાં કેની વેસ્ટે દુનિયાના કોઈપણ સિંગર કરતાં વધારે ૧૮ ગ્રેમી એવૉર્ડ જીતેલા છે. કેનીએ ડિજિટલ ગીતોની ૩ કરોડ કોપીઓ વેચેલ છે અને તે એક રેકોર્ડ છે. પેરીસ ફેશન વીકમાં ૧લી ઑક્ટોબર ૨૦૧૧ના કેની વેસ્ટે તેનું નવું સાહસ વુમન ડિઝાઈનર કલોથની ડી ડબ્લ્યૂ કેની વેસ્ટ રજૂ કરી અને તેને વિવેચકોએ એટલી વખોડેલી કે તે ડીઝાઈનર કલોથ ક્યારેય ફેકટરીમાંથી બહાર જ નહીં આવ્યા અને આખો પ્રોજેક્ટ સદંતર ફેઈલ ગયેલો હતો.

જેનીફર લોપેઝ: ૧૯૬૯માં જન્મેલી અમેરિકાની બીજી મલ્ટિફેસેટેડ પર્સનાલિટી અમેરિકન એકટ્રેસ, ડાન્સર, રેકોર્ડિંગ આર્ટિસ્ટ કે જે “જે એલ ઓ નામથી વિશ્ર્વ વિખ્યાત છે. જેનીફરના આલ્બમોની ૫૫ મિલિયન રેકોર્ડસ વેચાયેલી છે.

અમેરિકન આઈડોલમાં તે જજ છે. અમેરિકાની લેટીન એકટ્રેસમાં તે સૌથી વધારે વેતન મેળવે છે. લોપેઝએ પણ ધંધામાં નિષ્ફળતાનો સામનો કરવો પડેલો હતો, જ્યારે ૨૦૦૭માં તેણે ટીનએજર્સ છોકરીઓનું કેઝયુલ વેર કલેકશન માર્કેટમાંથી પાછું ખેંચેલું હતું. ત્યારબાદ “જસ્ટ સ્વીટ બ્રાન્ડ નામે નવી રેન્જ રજૂ કરી જે પણ ૨૦૦૯માં બંધ કરી દેવી પડી. જેનીફરની બીજી એક બ્રાન્ડ “સ્વીટ ફેસ કે જે સ્ત્રીઓ માટે એક હાયર રેન્જ સિરીઝ હતી તે પણ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી પડેલી હતી. ૨૦૦૨માં જેનીફરે લેટીન વેરાયટી પીરસતું “મદરેસ નામનું બહુ આધુનિક રેસ્ટોરન્ટ કેલિફોર્નિયાના પાસાડેનામાં શરૂ કરેલું હતું પણ ૨૦૦૮માં ધાર્યા પ્રમાણે રૅસ્ટોરન્ટ નહીં ચાલતા ખોટ કરીને આ રેસ્ટોરન્ટ બંધ કરી દેવું પડેલું હતું.

હલ્ક હોગન: ૧૯૫૩માં જન્મેલા ટેરી જેન બોલીઆ કે જેને ભારતના તમામ ટીનએન્જર્સ હલ્ક હોગનના તેના ડબ્લ્યૂ ડબ્લ્યૂ એફમાં રેસ્લરના નામથી જાણતા હશે. ૮૦ અને ૯૦ના દશકામાં અમેરિકામાં સ્કૂલની નોટબુક, ફુટપટ્ટીઓ, કંપાસ બોક્સ, ટૂથ બ્રશથી માંડીને અન્ય તમામ પ્રોડક્ટસમાં તેનો ફોટો જોવા મળતો હતો.

૨૦૦૫માં તેને હોલ ઑફ ફેમમાં સ્થાન મળેલું છે. હોગન ૬ ડબ્લ્યૂ ડબ્લ્યૂ એફ અને ૬ વખત ડબ્લ્યૂ ડબ્લ્યૂ ઈ તેમ ૧૨ વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલ છે. ૧૭ જુલાઈ ૧૯૯૪થી ૨૯ ઑક્ટોબર ૧૯૯૫ એટલે ૪૬૯ દિવસ સુધી સતત “વર્લ્ડ હેવી વેઈટ ચેમ્પિયનનું ટાઈટલ
ભોગવેલ છે.
આજ હોગને ૧૯૯૫માં અમેરિકાના એક મોલમાં ઈટાલિયન રેસ્ટોરન્ટ ખોલ્યું અને તેની મોટાભાગની મૂડી રોકી દીધેલ હતી. વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના પ્રોગ્રામોમાં બહુ મોટા પાયે જાહેરાતો કરવામાં આવેલી હતી તો પણ એક વર્ષની અંદર તો આ રૅસ્ટોરન્ટનો વીંટો વળાઈ ગયેલો હતો.

બ્રિટની સ્પીઅર: ૧૯૮૧માં જન્મેલી સિંગર બ્રિટની સ્પીઅરને તો ભારતમાં તમામ ભણેલા લોકો જાણતા હશે. બ્રિટનીના ૧૦૦ મિલિયનથી વધારે આલ્બમો વેચાયેલા છે. અમેરિકાના ટોપ સેલિંગ ફિમેલ આર્ટિસ્ટમાં તેનો નંબર ૮મો છે. ૨૧મી સદીના પ્રથમ દશકામાં તેને બેસ્ટ સેલિંગ ફિમેલ આર્ટિસ્ટ કહેવામાં આવે છે.

આ બ્રિટનીએ ૨૦૦૨માં ન્યૂયોર્ક શહેરમાં નાયલા નામનું રેસ્ટોરન્ટ શરૂ કરેલું અને શરૂઆતમાં તો તે એક સ્ટેટ્સ સિમ્બોલ રેસ્ટોરન્ટ કહેવાતું હતું પણ મેનેજ નહીં કરી શકાતા ૬ મહિનામાં તો બંધ કરી દેવું પડેલું અને લાખો ડૉલરનું નુકસાન સહન કરવું પડેલું.

સેલિબ્રિટી અને સ્ટોક માર્કેટ: તમને શું લાગે છે કે ઉપર ચર્ચેલી તમામ સેલિબ્રિટીએ શું આંધળુકિયા કરેલા હતા? અને જવાબ છે “ના. તમામ પ્રકારનું રિસર્ચ કરી પ્રોફેશનલ્સની સલાહો લઈને સાહસ કરેલું હતું, પણ નિષ્ફળ જવાનાં કારણોમાં ખોટા સમયે એન્ટ્રી, ખોટી જગ્યાનું સિલેકશન, ખોટી વ્યક્તિની સલાહ અને વધુ પડતો આત્મવિશ્ર્વાસ અથવા તેનો અભાવ મુખ્ય કારણો હતાં.

સ્ટોકના ખરીદ વેચાણના નિર્ણયોમાં પણ આજ પરિબળો હોય છે. ખોટા સમયે ખરીદી કે વેચાણ, ખોટી સલાહ કે વધારે પડતા આત્મવિશ્ર્વાસથી ખરીદી (તેનું જીવતું જાગતું ઉદાહરણ છે વોરેન બફેએ ૨૦૦૮માં ખોટા સમયે વધારે પડતા આત્મવિશ્ર્વાસથી ખરીદેલા ફિલીપ કેપ્કોના શેર્સ કે જેમાં તેણે ૯૦ ટકા રકમ ગુમાવેલી હતી.) માર્કેટમાં કહેવાતા બિગબુલની કોઈ સ્ક્રીપની ખરીદી કે વેચાણના ન્યૂઝ સાંભળીને તેનાથી અંજાઈને તેને ફોલો કરવાના પ્રયત્ન, ધીરજનો અભાવ, ૫૦ ટકા ઈન્વેસ્ટમેન્ટ તૂટે ત્યાં સુધી બઝારમાં સુધારાની રાહ જોવાની અને પછી કંટાળીને નુકસાન બુક કરો અને બીજા દિવસથી તે શૅરના ભાવમાં સુધારો શરૂ થાય..!

જો આપણી જેમ સેલિબ્રિટી પણ ભૂલો કરતી હોય તો તેનાથી અંજાવાની શી જરૂર છે? સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટરની મુવજ તેનો મુકામ નક્કી કરશે.

એન્થની રોબિન્સે કહ્યું છે કે “આઈ બિલીવ લાઈફ ઈઝ કોન્સટન્ટલી ટેસ્ટિંગ અસ ફોર અવર લેવલ ઓફ કમિટમેન્ટ, ઍન્ડ લાઈફ’ઝ ગ્રેટેસ્ટ રિવોર્ડઝ આર રિઝર્વડ ફેર ધોઝ વ્હુ ડેમોન્સ્ટ્રેટ અ નેવર એડિંન્ગ કમિટમેન્ટ ટુ એક્ટ અન્ટિલ ધે અચીવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button