ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ | મુંબઈ સમાચાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૨૭ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે અમેરિકી પ્રમુખ જૉ બાઈડેનની ઈઝરાયલની મુલાકાતને પગલે મધ્યપૂર્વના દેશોમાં તણાવ હળવો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૩.૦૫ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૯.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૫૧.૦૭ પૉઈન્ટનો અને ૧૪૦.૪૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૬.૨૦ આસપાસ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૬૩.૬૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button