વેપાર

ડૉલર સામે રૂપિયો 14 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 14 પૈસા ગબડીને 83.20ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં સ્થાનિક આર્થિક ડેટા સ્થિર રહ્યાના અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈકાલે ગાંધી જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 83.06ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 83.21ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.23 અને ઉપરમાં 83.17ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 14 પૈસાના ઘટાડા સાથે 83.20ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 0.14 ટકા વધીને 104.05 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે 316.31 પૉઈન્ટ અને 109.55 પૉઈન્ટના ઘટાડા ઉપરાંત ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1685.70 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો અને આજે જાહેર થયેલો ગત સપ્ટેમ્બર મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક પાંચ મહિનાની નીચી 57.5ની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.

જોકે, આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.02 ટકા ઘટીને બેરલદીઠ 90.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો થોડાઘણાં અંશે મર્યાદિત રહ્યો હતો.

જોકે, તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટા મજબૂત આવી રહ્યા હોવાથી વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં આગેકૂચ જોવા મળી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button