વેપાર

તક તો આપણી સામે જ હોય છે, જરૂર છે પારખું નજરની!!

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

માણસની જિંદગીમાં ક્યારે પલટો આવી જાય છે તે કળવું મુશ્કેલ છે. ઇતિહાસમાં કેટલાય દાખલાઓ જોવા મળશે કે કોઇ વ્યક્તિએ જે લાઇનનો અભ્યાસ કર્યો હોય તેનાથી અલગ જ લાઇનમાં કારકિર્દી બનાવે છે જેમકે મેડિસિનનો અભ્યાસ કરેલી વ્યક્તિ મજદૂર નેતા થઇ જાય, કોઇ કેમિકલ એન્જિનિયર મલ્ટિનેશનલ કંપનીમાં ફાઇનાન્શિયલ એક્ઝિકયુટીવ થઇ જાય કે કોઇ માઇક્રોબાયોલૉજિસ્ટ સકસેસફૂલ એડવોકેટમાં કેરિયર બનાવે છે. એક જ વર્ગમાં સાથે ભણતા બે મિત્રો કે જેને પરીક્ષામાં માર્કસ પણ લગભગ સરખા આવતા હોય છતાં તેઓ જ્યારે તેઓ બિઝનેસમાં કે પ્રોફેશનલ લાઇફમાં આવે છે ત્યારે તેની સફળતાઓ સરખી નથી હોતી કોઇ બહુ સકસેસફૂલ હોય છે જયારે કોઇ સ્ટ્રગલ કરતા હોય છે, સમાજ જનરલી આના માટે નશીબને જવાબદાર ઠેરવે છે, અને એમ કહીને મન મનાવે છે કે નશીબથ વધારે અને સમયથી પહેલા કોઇને કંઇ મળતું નથી. પણ એ લોકો ત્યારે જ એ કહેવત ભૂલી જાય છે કે “પુરુષાર્થ પાસે પ્રારબ્ધ પાંગળું છે. એક કહેવતમાં જિંદગી સાથે સમાધાન છે જ્યારે બીજી કહેવતમાં જિંદગી જીવવા માટેનું જોશ છે. આ સ્વતંત્ર વિચારધારા ધરાવતા બન્ને લોકો કેટલા સાચા છે તે બહુ આકરી ચર્ચાનો વિષય છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઇ વ્યક્તિ લાઇફમાં નવી નવી તકો શોધતો હોય છે, જ્યારે અન્ય એક કારકિર્દીને ચીટકી રહે છે અને મનના દ્વાર બંધ કરી દે છે.

પણ જો આપણે એમ કહીએ કે “પુરુષાર્થ પાસે નસીબથી વધારે અને સમયથી પહેલા આપવા પ્રારબ્ધ પાંગળું છે તો કેમ?
આ આખી ચર્ચાના મૂળમાં છે અમેરિકાની યેલ યુનિવર્સિટીના ગ્રેજયુએટ એન્ડ્રયુ યુન.

એન્ડ્રયુ યુન:
અમેરિકાના બોસ્ટન શહેરમાં કોરીયન મા-બાપનો ટોરોન્ટોમાં જન્મેલો અને અમેરિકાના મીનેસોટા જેવા મોર્ડન રાજ્યમાં જેનો ઉછેર થયેલો તે એન્ડ્રયુ યુન મેનેજમેન્ટ ક્ધસલટન્ટ તરીકે જોબ કરતો હતો અને બહુ સુખી લકઝરીયસ જીવન ગુજારતો હતો. એક વાર સમર વેકેશનમાં એન્ડ્રયુ કેન્યાના બન્ગોમાં શહેરમાં ફરતા ફરતા આવી ચડયો. બન્ગોમાંમાં એન્ડ્રયુએ જોયું કે એક ખેડૂત તેના ખેતરની બહાર આક્રંદ કરતો રડતો હતો. જ્યારે તેને અડીને જ જેનું ખેતર હતું તે ખેડૂતના ઘરમાં ખુશીનો માહોલ હતો. બન્ને ખેતર સરખી સાઇઝના હોય અને બાજુ બાજુમાં હોય તેને આશ્ર્ચર્ય થયું કે આટલો મોટો તફાવત બન્નેની લાઇફસ્ટાઇલમાં કેમ હોય શકે? આમાં રસ પડતા તેણે બન્નેની ખેતી કરવાની પદ્ધતિ, બિયારણ ખાતર વગેરેની તપાસ કરતા ખબર પડી કે બન્નેની ઉપજમાં જે તફાવત હતો તેનું મુખ્ય કારણ ખેતી કરવાની પદ્ધતિ હતી. તેણે તુરત જ તેના ખિસ્સામાંથી જે ડૉલર્સ હતા તે આ ખેડૂતને આપ્યા અને કહ્યું કે તે તેને ખેતીના કામમાં મદદ કરશે.

એક વર્ષમાં તો આ ખેડૂતને ત્યાં પણ પાક બમણો આવ્યો અને તેના ઘરમાં પણ ખુશીનો માહોલ છવાયો. આ જોઇને એન્ડ્રયુને થયું કે બોસ્ટનમાં મેનેજમેન્ટ ક્ધસલટન્સી કરવી તેના કરતા કેન્યાના ખેડૂતોને સાચા ગાઇડન્સની જરૂર છે. તેણે એમ પણ વિચાર્યું કે માત્ર માઇક્રો ફાઇનાન્સ આપવાથી આ ખેડૂતોની જિંદગીમાં ફર્ક નહીં પડે તેમને ફાઇનાન્સની સાથે ખેતી કરવાની આધુનિક પદ્ધતિ, સારું અને સસ્તું બિયારણ, ખેતર, સપ્લાઇર્સ પાસે ક્રેડીટ લાઇન્સની પણ જરૂર છે, તેથી મેનેજમેન્ટ ક્ધસલટન્સી છોડી કેન્યાના ખેડૂતોના કલ્યાણ માટે “વન એકર ફંડ નામની સંસ્થા સ્થાપી અને પહેલાં જ વર્ષે ૧,૩૦,૦૦૦ ખેડૂતોને મદદ કરી, કેન્યાની સફળતા જોઇને બાજુના રવાન્ડા અને બુરૂન્ડી દેશોના ખેડૂતોએ પણ તેનો સંપર્ક કરીને તેને મદદ કરવા માટે વિનંતી કરી. મેનેજમેન્ટ ક્ધસલટન્સી કરતા ચોથા ભાગની આવક એગ્રી ક્ધસલટન્સીમાં એન્ડ્રયુને થતી હોવા છતાં તે ખુશ છે કારણ કે તેની આવક સાથે જે લાખો ખેડૂતોની જિંદગીમાં ખુશાલી આવતી હતી તે વધારે મૂલ્યવાન છે અને તે વન એકર ફંડને એક વિશાળ કોર્પોરેશન બનાવવા માંગે છે અને તેનું પહેલુ ટાર્ગેટ ૨૦૩૦ સુધીમાં ૭ દેશોમાં તેની શાખાઓ સ્થાપવી. તેનું કહેવું છે કે જો “મેકડોનાલ્ડ દર આઠ કલાકે એક નવો આઉટલેટ ખોલતી હોય તો “વન એકર ફંડ તેમ કેમ ના કરી શકે? એન્ડ્રયુનું કહેવું છે કે લાઇફમાં માત્ર પૈસો જ બધુ નથી, જેમ કોઇ વિખ્યાત સર્જન મહિનાના ૧૦૦ ઓપરેશન કરીને લાખો ડૉલર્સ કમાય છે તેમાં તેને જે આનંદ નથી મળતો તે તેને મહિનામાં માત્ર ૩ કે ૪ ફ્રી ઓપરેશન જરૂરતમંદના કરે છે તેમાં મળે છે.

“વન એકર ફંડને એટલી મોટી સંસ્થા બનાવવી આ સ્વપ્ન સિદ્ધ કરવા માટે એન્ડ્રયુ મલ્ટિમિલિયન ડૉલર્સની ગ્રાન્ટ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સાથે વાટાઘાટો ચલાવે છે અને તેઓને સમજાવાનો પ્રયત્ન કરે છે કે તેઓ માટે આ એક “કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે જે તેઓની માર્કેટમાં આબરૂ વધારશે. આજ રીતે તે ખાતર ઉત્પાદકો, બિયારણના ઉત્પાદકો, ઓજારના ઉત્પાદકો તેમ બધાને મળીને ખેડૂતોને વ્યાજબી ભાવે વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે.

એન્ડ્રયુના આ કાર્યમાં તેના જેવી વિચારસરણી ધરાવતા યુવાનો જોડાતા આ મુવમેન્ટને એક નવી જ દિશા અને બળ મળેલ છે. આજે તો આફ્રિકન દેશોની સરકારો તેના દેશમાં ખેતીવાડીને લગતા કાયદામાં જે ચેન્જિસ કરવા માગે છે તેમાં એન્ડ્રયુની સલાહને અનુસરે છે.

કેન્યાના ખેડૂતની જે હાલત હતી તે ઘણા લોકોએ જોઇ હતી પણ માત્ર એન્ડ્રયુને વિચાર આવ્યો કે આ ખેડૂતોને મદદ કરવાની સાથે એક વિશાળ તક સામે છે કે જેમાં આફ્રિકાના કરોડો ખેડૂતોને ખેતીમાં મદદ કરી તેઓની લાઇફમાં સમૃદ્ધિ લાવવાની સાથે એન્ડ્રયુની કેરિયર માટે પણ એક મોટી તક છે.

ભારતમાં પણ આ પ્રયોગો માટે વિશાળ તક છે કારણ કે આજનો ખેડૂત નવા પ્રયોગો કરીને ઉત્પાદન વધારવા માટે તત્પર છે. ભારતમાં પણ હરિયાણાના એક ગામમાં યુએસએથી એમબીએ ભણેલી યુવતી સરપંચ તરીકે સેવા આપે છે અને ગામમાં પરિવર્તન લાવી રહી છે, નો ડાઉટ આ કાર્યમાં શરૂઆતમાં ખાટ સ્વાદિયાઓ અવરોધો ઊભા કરે છે પણ અંતમાં બધુ થાળે પડી જાય છે. કારણ કે લાઇફમાં કઇ લાઇનમાં તકલીફો નથી આવતી? તકો તો આપણી આસપાસ છે, જરૂર છે માત્ર પારખી નજરની કારણ કે “મેન ઇઝ નેવર લિમિટેડ બાય ટુલ્સ બટ બાય વિઝન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button