વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૧૩૦નો અને ચાંદીમાં રૂ. ૩૩૩નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯થી ૧૩૦નો સુધારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૩ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનાામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાથી તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯ વધીને રૂ. ૬૨,૦૭૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૦ વધીને રૂ. ૬૨,૩૨૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૩ વધીને રૂ. ૭૧,૭૧૯ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતા વર્ષ ૨૦૨૪ના આરંભમાંવૈશ્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ આજે અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૩૨.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકાના સુધારા સાથે ૨૦૩૮.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૦૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાલ્ફ બોસ્ટિકે જણાવ્યું હતું કે હજુ અમેરિકામાં ફુગાવો બે ટકાની સપાટીની ઉપર હોવાથી આગામી ટૂંકા સમયગાળા સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર ઊંચી સપાટીએ જ રાખે તેમ જણાય છે. આમ હવે ફેડરલનાં સભ્યો વહેલાસર વ્યાજ કપાતની શક્યતા નકારી રહ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર પણ ટ્રેડરો આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા જે અગાઉ ૭૦ ટકા જેટલી વ્યક્ત કરી રહ્યા હતા તેની સામે હવે ૫૯.૪ ટકા જેટલી જ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.