મધ્ય પૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનું એક સપ્તાહની ટોચેથી પાછું ફર્યું
સ્થાનિક સોનામાં ₹ ૧૪૭નો અને ચાંદીમાં ₹ ૯૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જૂથ હમાસ વચ્ચે થઈ રહેલા હુમલાઓથી મધ્યપૂર્વના દેશોમાં તંગદીલી સર્જાવાથી સોનામાં સલામતી માટેની માગ નીકળતાં ગઈકાલે વૈશ્ર્વિક સોનાના ભાવ ૧.૬ ટકાના ઉછાળા સાથે એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આમ ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજનાં વૈશ્ર્વિક ચાંદીના નિરુત્સાહી અહેવાલે સુધારો કિલોદીઠ રૂ. ૯૦ સુધી સિમિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનામાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ એકંદરે નિરસ રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૨૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૪૭૯ના મથાળે રહ્યા હતા. તેમ જ .૯૯૯ ટચ ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૦ વધીને રૂ. ૬૮,૫૮૩ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારા માટે આક્રમક વલણ નહીં અપનાવે તેવી શક્યતા અમુક ફેડરલનાં અધિકારીઓએ વ્યક્ત કરવાની સાથે ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ ઉદ્ભવતા સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ ૧.૬ ટકાના ઉછાળા સાથે એક સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૧૮૬૫.૧૯ ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૫૬.૬૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૩ ટકાના સુધારા સાથે ૧૮૭૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
ફેડરલનાં વાઈસ ચેરમેન અને ડલાસ ફેડના પ્રમુખ લૉરી લોગાને ગઈકાલે ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં વ્યાજદર વધારા માટે હળવું વલણ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં તાજેતરમાં સોનાના ભાવને ટેકો મળ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.