વેપાર

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું એક સપ્તાહની ટોચે સ્થાનિક સોનામાં રૂ. ૨૦૦નો અને ચાંદીમાં રૂ. ૧૩૫નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું એક સપ્તાહની ટોચે સ્થાનિક સોનામાં રૂ. ૨૦૦નો અને ચાંદીમાં રૂ. ૧૩૫નો ચમકારો એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી ટકેલું વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી પીઠેહઠ જોવા મળી હતી. આમ ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૦નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયામાં સુધારાતરફી વલણને કારણે સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજનાં વૈશ્વિક ચાંદીના નિરુત્સાહી અહેવાલે સુધારો કિલોદીઠ રૂ. ૧૩૫ સુધી સિમિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ એકંદરે નિરસ રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૦ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૨૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૫૩૨ના મથાળે રહ્યા હતા. તેમ જ .૯૯૯ ટચ ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૫ વધીને રૂ. ૬૮,૬૨૮ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારા માટે આક્રમક વલણ નહીં અપનાવે તેવી શક્યતા અમુક ફેડરલનાં અધિકારીઓએ વ્યક્ત કરવાની સાથે ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ ઉદ્ભવતા સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૬ ટકાના ઉછાળા સાથે એક સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૧૮૬૫.૧૯ ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યા બાદ ૧૮૬૦.૨૧ની સપાટીએ બંધ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ભાવ વધુ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૮૭૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફેડરલનાં વાઈસ ચેરમેન અને ડલાસ ફેડના પ્રમુખ લૉરી લોગાને ગઈકાલે ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં વ્યાજદર વધારા માટે હળવું વલણ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં તાજેતરમાં સોનાના ભાવને ટેકો મળ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button