આયાતી તેલમાં જળવાતી આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં ર્સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં તેમ જ મથકો પાછળ દેશી તેલમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં આયાતી તેલમાં આરબીડી પામોલિન, સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા. વધુમાં આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ વધી આવ્યા હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલ અને સરસવના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ વધી આવ્યા હતા, જ્યારે કપાસિયા રિફાઈન્ડમાં રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં અલાનાના રૂ. ૧૩૧૦ અને એએનએ તથા રિલાયન્સ રિટેલના રૂ. ૧૩૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૧૩૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૧૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૩૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સેલરિસેલ અને ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપાર છૂટાછવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૧૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૨૫, સિંગતેલના રૂ. ૧૫૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૦૦ અને સરસવના રૂ. ૧૪૨૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૩૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૨૫માં થયાના અહેવાલ હતા.
વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર નવા-જૂના માલોની અંદાજે ૩.૭૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૫૦થી ૪૭૨૫માં થયા હતા.