નવેમ્બરનાં ક્વૉટાની જાહેરાત પશ્ચાત્ ખાંડમાં ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ભાવમાં ક્વિન્ટલે રૂ. બેથી 20 સુધીનો ઉછાળો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ક્વિન્ટલે રૂ. 20 વધી આવ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે મોડી સાંજે કેન્દ્ર સરકારે આગામી નવેમ્બર મહિનાના મુક્ત વેચાણ મટે 20 લાખ ટનનો ક્વૉટા જાહેર કરવાની સાથે ઑક્ટોબરના વણ વેચાયેલા ક્વૉટાનું એક્સ્ટેન્શન આપવામાં નથી આવ્યું. જોકે, બજાર વર્તુળોના મતાનુસાર આગલા ઑક્ટોબર મહિનાના તમામ ક્વૉટાનું વેચાણ થઈ ગયું હોવાથી આજે સ્થાનિકમાં ખાંડના ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં રિટેલ સ્તરની માગ ઉપરાંત સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 14 અને ઉપલા મથાળેથી રૂ. બેના સુધારા સાથે રૂ. 3450થી 4012ના મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20ના સુધારા સાથે રૂ. 3972થી 4092માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં ક્વિન્ટલે રૂ. 20નો સુધારો આવ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3890થી 3920માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3920થી 3970માં થયાના અહેવાલ હતા.



