વેપાર

અમેરિકાના મજબૂત જોબ ડેટા અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર વિવાદ ઉકેલાવાનો આશાવાદ

સોનામાં રૂ. ૧૪૨૭નું ગાબડું, ચાંદીમાં રૂ. પાંચનો સાધારણ સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવવાની સાથે અમેરિકા-ચીન વચ્ચેના વેપાર વિવાદનો ઉકેલ આવે તેવા આશાવાદે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૧ ટકાનો સુધારો આવ્યો હતો અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટયા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના આરંભે ગત શુક્રવારના વૈશ્વિક બજારનાં નિરુત્સાહી અહેવાલો તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો ઘટવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૨૧થી ૧૪૨૭નું ગાબડું પડયું હતું, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લે-વેચના અભાવ વચ્ચે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની મર્યાદિત લે-વેચ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જવેલરી ઉત્પાદકોની છૂટીછવાઇ માંગ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. પાંચના સાધારણ સુધારા સાથે રૂ. ૧,૦૫,૨૯૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારનાં વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ, રોકાણકારો, જવેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની નિરસ માગ અને ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતા વેરારહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ રૂ. ૧૪૨૧નાં ઘટાડા સાથે રૂ. ૯૫,૩૩૫ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૫,૭૧૮ના મથાળે રહ્યા હતા.

ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો નોંધાયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૩૩૧૩.૫૪ ડોલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ૩૩૩૩.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે લંડન ખાતે વેપારના મુદ્દે થનારી વાટાઘાટોમાં ઉકેલ આવે તેવા આશાવાદ વચ્ચે રોકાણકારોની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે સાધારણ ૦.૨ ટકા ઘટીને અસિદીઠ ૩૬.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં ત્રણ અધિકારીઓ અને ચીનના અધિકારીઓ સાથે થનારી વાટાઘાટને ધ્યાનમાં લેતા અમે ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં નવી લેણની પોઝિશનથી દૂર રહીશુ, એમ ઓએનડીએના એશિયા પેસિફિક વિભાગનાં એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે આ મંત્રણામાં ટેરિફની ચર્ચા ન થાય તેવું નહીં બને, પરંતુ બેઝલાઈન દરમાં ઘટાડાની શક્યતા છે. તેમ છતાં હવે અમેરિકામાં વ્યવસાયીક ખર્ચમાં વધારો થવાની સાથે અંદાજપત્રીય ખાધમાં વધારો ફુગાવાલક્ષી દબાણ વધારી શકે છે.

જોકે, ટેક્નિકલ દૃષ્ટિએ વૈશ્વિક સોનામાં આઁસદીઠ ૩૨૯૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા રૉઈટર્સના વિશ્લેષક વૉન્ગ તાઉએ વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને સારા અધ્યક્ષ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા તેમણે વ્યકત કરી હતી. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં ટેકાણકારોની લેવાલી રહેતી હોય છે.

આ પણ વાંચો….ચાંદીમાં વધુ રૂ. ૫૪૦ની આગેકૂચ, સોનામાં રૂ. ૧૨૧નો ધીમો સુધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button