ખપપૂરતા કામકાજે દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 31 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે સપ્તાહના અંતને કારણે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો અત્યંત પાંખાં અથવા તો ખપપૂરતા રહેતાં દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ધોરણે ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1225 અને સન રિફાઈન્ડના રૂ. 1500, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1252થી 1255, સોયા રિફાઈન્ડના રૂ. 1290 અને સન રિફાઈન્ડના રૂ. 1495 તથા જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1241 અને સોયા રિફાઈન્ડના રૂ. 1271 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 13,000 ગૂણીની નવી આવક ઉપરાંત ગઈકાલની શેષ 30,000 ગૂણી મળી કુલ 43,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1410માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે આજે નવી કોઈ આવકો નહોતી, પરંતુ ગઈકાલની શેષ 15,000 ગૂણીના વેપાર મણદીઠ રૂ. 1200થી 1400માં થયાના અહેવાલ હતા.
હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1250, સોયા રિફાઈન્ડના રૂ. 1290, સન રિફાઈન્ડના રૂ. 1495, સિંગતેલના રૂ. 1580, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1275 અને સરસવના રૂ. 1510ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2460માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1550માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



