
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવ વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો અને ઊંચા મથાળેથી સોનામાં રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળતાં હાજર અને વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા.
તેમ જ ચાંદીમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો પણ વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 465થી 467ની આગેકૂચ જળવાઈ રહી હતી.
તેમ જ શુદ્ધ સોનાએ રૂ. 99,000ની સપાટી પાર કરી હતી. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 787ના ઉછાળા સાથે રૂ. 1,14,000ની સપાટી કુદાવી ગયા હતા.
આપણ વાંચો: વિશ્વ બજારમાં ડૉલર અને સ્થાનિકમાં રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 548નો ચમકારો, ચાંદી રૂ. 60 વધી
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 787ની તેજી સાથે રૂ. 1,14,252ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયામાં નરમાઈ આગળ ધપતા આયાત પડતરો વધવાને કારણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 465 વધીને રૂ. 98,965 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 467 વધીને રૂ. 99,363ના મથાળે રહ્યા હતા.
જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 375નો અને ચાંદીમાં રૂ. 1300નો ધીમો સુધારો
ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત 17 જૂન પછીની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા.
જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત નફારૂપી વેચવાલી રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3384.49 ડૉલર અને 3397 ડૉલર અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 38.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે તાજેતરમાં સોનાને ડૉલર ઈન્ડેક્સની નરમાઈની સાથે સાથે ટૅક્નિકલ લેવલથી ટેકો મળતાં ભાવમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી ટૅરિફના અમલની મુદત નજીક આવી રહી હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે અમુક રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ પણ રહેતાં ભાવમાં સાધારણ ઘટાડો જોવ મળ્યો છે.
આપણ વાંચો: ડૉલર મજબૂત થતાં સોનામાં રૂ. 130ની અને ચાંદીમાં રૂ. 263ની પીછેહઠ
નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અગાઉ ધમકી ઉચ્ચારી હતી કે જો પહેલી ઑગસ્ટ સુધીમાં જો યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ ન થઈ તો યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે 30 ટકા ટૅરિફ લાદવામાં આવશે. જોકે, અમેરિકા સાથે સ્વીકૃત ટ્રેડ ડીલની ઓછી શક્યતાને ધ્યાનમાં લેતા યુરોપિયન યુનિયન 30 ટકા ટૅરિફ સામે વળતા પગલાં અંગે પણ વિચારણા કરી રહ્યું હોવાનું યુરોપિયન યુનિયનનાં રાજદ્વારી અધિકારીઓ જણાવે છે.
અમેરિકાના ઘણાં વેપારી ભાગીદાર દેશો અમેરિકાની ટ્રેડ ડીલ અંગેની શરતોથી સહમત ન પણ થાય તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ઘણાં રોકાણકારો સોનામાં હેજિંગ પણ કરે તેવી શક્યતા વૉન્ગે વ્યક્ત કરી હતી.
હવે રોકાણકારોની નજર આગામી ગુરુવારની યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની અને 29-30 જુલાઈની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક બેઠકનાં અંતે વ્યાજદર બે ટકાના સ્તરે યથાવત્ રાખવામાં આવે તેવી ધારણાં બજાર વર્તુળો મૂકી રહ્યા છે.