ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
સ્થાનિકમાં સોનું રૂ. 1318 ઊંચકાયું, ચાંદીમાં રૂ. 644 વધ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાનાં વેપારી ભાગીદાર દેશો જો સકારાત્મક વિશ્વાસ સાથે જો વાટાઘાટો નહીં કરે તો ડૉનલ્ડ ટ્રમ્પે ગયા મહિને આપેલી ધમકીનાં દરે ટૅરિફના દર લાદશે, એવો અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે ગઈકાલે (રવિવારે) ટેલિવિઝન પર આપેલી મુલાકાતમાં પુનરોચ્ચાર કરતાં આજે ફરી ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો.
તેમ જ ચાંદીના ભાવ પણ વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1313થી 1318 ઊંચકાઈ ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 644 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 644 વધીને રૂ. 95,250ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઘટ્યા મથાળેથી નીકળેલી માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1313 વધીને રૂ. 93,244 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1318 વધીને રૂ. 93,619ના મથાળે રહ્યા હતા.
ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં સલામતી માટેની માગ ઓસરી જતા હાજરમાં સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો અને સાપ્તાહિક ધોરણે ગત નવેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયા બાદ આજે ડૉલર ઈન્ડેક્સ 0.5 ટકા જેટલો ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સલામતી માટેની માગને ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા ઘટીને 3228.47 ડૉલર અને વાયદામાં ભાવ 1.4 ટકા વધીને 3232.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 32.46 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત સપ્તાહે મૂડીઝે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું હોવાથી અમેરિકાની રાજકોષીય સ્થિતિ અંગેની ચિંતા સપાટી પર હોવાથી પણ સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે ટૅરિફની ધમકીનો પુનરોચ્ચાર કરતાં વૈશ્વિક બજારમાં આર્થિક અનિશ્ચિતતા સર્જાવાની ભીતિ સપાટી પર આવી હોવાથી ફેડરલ દ્વારા રેટ કટ અંગે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
જોકે, મારા મતે ફેડરલ રઝિર્વ આગામી જુલાઈ અથવા સપ્ટેમ્બર મહિનામાં રેટ કટ કરશે, પરંતુ તેનો આધાર અમેરિકાના વેપારી ભાગીદાર દેશો સાથે વાટાઘાટો કેવી થાય છે અને કરારો કેવા થાય છે તેનાં પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે ગત સપ્તાહે અમેરિકાનાં એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા ળ્ળ્યો હતો અને રિટેલ વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે રિટેલ ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઘટાડો થયો હતો.