કોપરની અમુક વેરાઈટીઓ અને નિકલમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત સપ્તાહના અંતે કોપર સહિતની ધાતુઓમાં કડાકા બોલાઈ ગયા બાદ આજે સપ્તાહના આરંભે ખાસ કરીને કોપરમાં વૈશ્વિક બજારમાં પુરવઠાખેંચની ભાતિ વચ્ચે આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી ભાવમાં જોવા મળેલા સુધારાતરફી વલણ તેમ જ અન્ય ધાતુઓમાં પણ ધીમો સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિકમાં પણ એકમાત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. પાંચના ઘટાડાને બાદ કરતાં કોપરની અન્ય વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. પાંચથી 16નો સુધારો આવ્યો હતો.
આ સિવાય નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ કિલોદીઠ રૂ. 18 વધી આવ્યા હતા, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી પાંચ વધી આવ્યા હતા. જોકે, આજે ટીન અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 26 અને રૂ. પાંચ તથા નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે નિકલમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 18 વધીને રૂ. 1368ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 16 વધીને રૂ. 1015, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 14 વધીને રૂ. 931, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. 939, કોપર આર્મિચર તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 907 અને રૂ. 640 તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 267 અને રૂ. 295ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ટીન અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતા ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 26 ઘટીને રૂ. 3260 તથા રૂ. પાંચ ઘટીને રૂ. 840 તથા નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 216ના મથાળે રહ્યા હતા. આ સિવાય બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 593 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.
આ પણ વાંચો…વૈશ્વિક કોપરમાં પુરવઠાખેંચની ચિંતા