વેપાર

બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં ધીમો સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની નિરસ માગ ઉપરાંત આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે વિવિધ ધાતુઓનાં ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ સ્ટોકિસ્ટો સહિત સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં બ્રાસ અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. ૧થી ૩નો સુધારો, કોપરની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં રૂ. ૧થી ૭નો ઘટાડો તેમ જ અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને રૂ. ૧૫૯૮, ટીન, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૧૫૯૮, રૂ. ૨૦૯, રૂ. ૬૪૩ અને રૂ. ૬૯૯ના મથાળે અને કોપર વાયરબાર તથા કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૭૨૪ અને રૂ. ૬૯૦ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર ઝિન્ક સ્લેબ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૨૪, રૂ. બે વધીને રૂ. ૪૭૦ અને રૂ. ત્રણ વધીને રૂ. ૫૦૨ના મથાળે રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં છૂટાછવાયા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button