મથકો પાછળ સિંગતેલમાં ₹ ૯૫નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સૌરાષ્ટ્રના મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં લૂઝના અથવા તો ૧૦ કિલોદીઠ ભાવમાં રૂ. ૧૨૫નો અને તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦નો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૯૫નો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે સરસવના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫નો સુધારો આવ્યો હતો. વધુમાં ગઈકાલે શિકાગો ખાતેલના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૬૨ અને ૫૬ સેન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર વાયદામાં ૮૩ રિંગિટ અને નવેમ્બર તથા ડિસેમ્બર વાયદામાં ૭૨ રિંગિટ વધી આવ્યાના નિર્દેશો સાથે આયાતી તેલમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. ૩૫ અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૫૦ વધી આવ્યા હતા.
જોકે, આજની તેજીના માહોલમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રિલાયન્સ રિટેલના આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવ રૂ. ૧૨૪૭ અને રૂચીના આગામી તા.૧થી ૧૫ ઑક્ટોબર સુધી ડિલિવરી શરતે રૂ. ૧૨૩૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ ઊંચા મથાળેથી વેપારનો સદંતર અભાવ રહ્યો હતો. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૪૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૩૦, સન રિફાઈન્ડના રૂ. ૧૨૪૦, સિંગતેલના રૂ. ૧૪૭૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૫૦ અને સરસવના રૂ. ૧૪૪૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૨૮૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૨૫માં થયાના અહેવાલ હતા.