ચાંદીમાં રૂ. 1241ની આગેકૂચ, રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 95નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આજના મોડી સાંજના વક્તવ્ય પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં 0.3 ટકાનો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ 0.4 ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 28 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 95નો સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. 1241ની આગેકૂચ જળવાઈ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેવાની સાથે જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1241ના ચમકારા સાથે રૂ. 1,13,931ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે વેરારહિત ધેરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 95 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,845 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 99,242ના મથાળે રહ્યા હતા.જોકે, હાલમાં સોનાના ભાવમાં ભારે ચંચળતાનું વલણ રહેતું હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકી ફંડરલના અધિકારીઓએ વ્યાજદરમાં કપાત અંગે નબળો પ્રતિસાદ આપ્યો હોવાથી હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજનાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3329.19 ડૉલર આસપાસ અને 3372.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 38.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે એકંદરે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. વધુમાં રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા સફળ થવાના આશાવાદને ધ્યાનમાં લેતા રોકાણકારોની લેવાલી ડૉલર તરફ વળવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, આજે પૉવૅલ તેમના વક્તવ્યમાં જો હળવી નાણાં નીતિના સંકેત આપે તો ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતા સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
હાલના તબક્કે વ્યાજદર અંગેના સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 75 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે શ્રમ બજારમાં નરમાઈનાં સંકેતો મળી રહ્યા હોવા છતાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટૅરિફમાં વધારો કરવામાં આવ્યો હોવાથી ફુગાવાનો દર ફેડરલના લક્ષ્યાંકિત બે ટકા કરતાં વધી જવાની ભીતિ હોવાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં ફેડરલ રિઝર્વ અચકાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન શાંતિ યુદ્ધ વિરામ માટે રશિયન પ્રમુખ વ્લોદિમિર પુતિને યુક્રેનને ડોનબાસ પ્રદેશ છોડી દે, નાટોમાં જવાની ઈચ્છા ત્યાગી દે અને પશ્ચિમી દેશોના સૈનિકોને બહાર રાખે એવી માગણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: HDFC Bankમાં છે તમારું ખાતું? પહેલાં આ વાંચી લો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…