વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએથી પાછી ફરતાં સ્થાનિક ચાંદીમાં રૂ. 4100નું ગાબડું, સોનામાં રૂ. 562ની આગેકૂચ | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએથી પાછી ફરતાં સ્થાનિક ચાંદીમાં રૂ. 4100નું ગાબડું, સોનામાં રૂ. 562ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એકેસચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે એક તબક્કે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 53.60 ડૉલર સુધી કુદાવી ગયા બાદ નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવઘટાડો નોંધાયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ચાંદીમાં ઘટ્યા મથાળેથી 2.3 ટકા જેટલો સુધારો આવ્યો હતો. તેમ જ સોનાના ભાવ પણ 1.5 ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 4100નું ગાબડું પડ્યું હતું, જ્યારે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 560થી 562ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 74 પૈસા વધી આવ્યો હોવાથી આયાત પડતરો ઘટવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં એકતરફી આગઝરતી તેજી રહ્યા બાદ ગઈકાલના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેવાથી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4100ના ઘટાડા સાથે રૂ. 1,74,000ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક સાથે ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો હોવાથી ભાવવધારો મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 560 વધીને રૂ. 1,26,207 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 562 વધીને રૂ. 1,26,714ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કેટલાક દેશ ખુલ્લેઆમ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે: રાજનાથ સિંહ

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ચીન સાથેના અમુક વેપાર કરાર રદ કરવાની વિચારણા કરી રહ્યાના અહેવાલ અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ કરે તેવો આશાવાદ ઉપરાંત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને આૈંસદીઠ 4217.95 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.50 ટકા વધીને 4203.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ 1.4 ટકા વધીને 4220.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 53.60 ડૉલરની વિક્રમ સપાટી સુધી ઉછળ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ઘટ્યા મથાળેથી 2.3 ટકા વધીને આૈંસદીઠ 52.64 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉનના સમયગાળામાં થઈ રહેલા વધારા ઉપરાંત ફેડરલનાં વિવિધ અધિકારીઓ દ્વારા હળવી નાણાનીતિ અપનાવવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. તેમ જ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધી રહ્યો હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું એક્ટિવ ટ્રેડર્સનાં વિશ્લેષક રિકાર્ડો એવેન્જેલિસ્ટાએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન સોનાના ભાવ આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચે તો નવાઈ નહીં.
વધુમાં ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે અમેરિકી અર્થતંત્રમાં મક્કમતા જોવા મળી રહી છે, પરંતુ શ્રમ બજારમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે. આમ તેમની આ ટિપ્પણીને ધ્યાનમાં લેતાં આગામી ઑક્ટોબર તથા ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ પ્રબળ બન્યો હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button