
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે ચાંદીના ભાવ આૈંસદીઠ 58.94ની સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી 0.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સોનામાં અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં કિલોદીઠ રૂ. 3540ની તેજી આગળ ધપતા ભાવ 1.78 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં રૂપિયાની આયાત પડતર વધી આવતા સ્થાનિકમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 619થી 621નો સુધારો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3540 વધીને રૂ. 1,78,190ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં રૂપિયો નબળો પડતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 619 વધીને રૂ. 1,27,701 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 621 વધીને રૂ. 1,28,214ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. 10,821નો ઝડપી ઉછાળો, ભાવ 1.75 લાખની પાર, સોનું રૂ. 2209 ઝળક્યું
દરમિયાન આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ન્યૂયોર્કનાં ઘટ્યા મથાળે આૈંસદીઠ 4207.60 આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 4237.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 58.15 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નવેમ્બર મહિનાના રોજગારીના ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમને કારણે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે ચાંદીમાં તંગ પુરવઠા સ્થિતિ અને પ્રબળ ઓદ્યોગિક માગને ટેકે ગત શુક્રવારથી એકતરફી તેજી જોવા મળી છે. જોકે, હાલના બજાર ઓવરબોટ પોઝિશનમાં હોય તેમ જણાય છે.
આ પણ વાંચો: વૈશ્વિક ચાંદીમાં પુરવઠાખેંચ સામે પ્રબળ માગે સપ્તાહના અંતે 6.1 ટકાનો ઝડપી ઉછાળો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાંદી કિંમતી ધાતુ હોવાની સાથે તેનો ઔદ્યોગિક વપરાશ પણ છે અને અમેરિકાએ મહત્ત્વપૂર્ણ ખનીજોની યાદીમાં ચાંદીનો પણ સમાવેશ કર્યો હોવાથી આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 101 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનાના ભાવમાં 60 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
અમેરિકાના આજે જાહેર થનારા આર્થિક ડેટા અર્થાત્ રોજગારીના ડેટા નબળા આવે તો ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બર મહિનાની બેઠકમાં રેટકટની શક્યતા વધુ પ્રબળ બનશે, એવું રોકાણકારોનું માનવું છે. જોકે, બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગન અને બૅન્ક ઑફ અમેરિકા પણ ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.



