મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે આજે બજારમાં સોના ચાંદીના આ ભાવ રહ્યા, જાણો લેટેસ્ટ રેટ
ચાંદીમાં રૂ. ૨૨૫ ઘટી, સોનામાં રૂ. ૧૩ની સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને કારણે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક બજારમાં સાંકડી વધઘટના નિર્દેશને કારણે આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૫ ઘટી આવ્યા હતા, જ્યારે સોનામાં પાંખાં કામકાજે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩ની સાધારણ નરમાઈ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૫ ઘટીને રૂ. ૭૧,૩૩૫ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોમાં નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ પાંખી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૭૨૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૯૭૧ના મથાળે રહ્યા હતા.
ઈઝરાયલ-હમાસ વચ્ચેનો તણાવ ઉગ્ર બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહી હતી, પરંતુ તેની સામે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખે તેવી શક્યતા પ્રબળ રહેતાં હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૯૮૫.૭૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૧૯૯૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલના લશ્કરી દળોએ ગઈકાલે રાત્રે ગાઝા પર હુમલો કર્યો હોવાથી રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ ઊંચા વ્યાજદર જાળવી રાખે તેમ હોવાથી સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર જ રહ્યા હોવાનું બીએનપી પારિબાસના એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈઝરાયલ-હમાસ વચ્ચે તણાવ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવમાં નવ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.