વેપાર

વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1495ની અને સોનામાં રૂ. 149ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ગઈકાલના ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના તેમ જ ચાંદીના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના અહેવલ હતા.

જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં વધુ છ પૈસાનો ઘટાડો આગળ ધપ્યો હોવાથી સોના-ચાંદીની આયાત પડતરોમાં વધારો થયો હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં સોનાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 149નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1495નો ઘટાડો આગળ ધપ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1495ના ઘટાડા સાથે રૂ. 85,680ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે વર્ષ 2024ના અંતિમ સત્રમાં સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 149ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 75,740 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,045ના મથાળે રહ્યાં હતાં.

આપણ વાંચો: સોનામાં રૂ. 140ની અને ચાંદીમાં રૂ. 401ની પીછેહઠ

દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024ના અંતિમ સત્રમાં સોનાના હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને અનુક્રમે 2614.23 ડૉલર અને 2626.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 28.94 ડૉલરના મથાળે ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે ક આ વર્ષ દરમિયાન ખાસ કરીને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ, વૈશ્વિક રાજકીય-ભૌગોલિક તણાવ અને વૈશ્વિક કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં વર્ષ 2010 પછીનો સૌથી મોટો 26 ટકાનો અને ચાંદીના ભાવમાં 21 ટકાનો ઉછાળો આવી ગયો છે.

આમ આ વર્ષે મુખ્યત્વે સોનાની તેજીને વ્યાજદરમાં પરિવર્તનનો ટેકો મળ્યો હતો અને ગત 31મી ઑક્ટોબરે સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 2790.15 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

આપણ વાંચો: સોનામાં રૂ. 299ની અને ચાંદીમાં રૂ. 394ની આગેકૂચ

હવે બજારની નજર આગામી સપ્તાહથી જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ પર રહેશે અને આ ડેટાઓના આધારે ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં કેવી નાણાં નીતિ અપનાવશે તેના તર્ક વિતર્કો પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે. આ ઉપરાંત આગામી 20મી જાન્યુઆરીથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિઓની પણ સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓની વધઘટ પર અસર જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આગામી વર્ષ 2025માં સોનાનો મુખ્યત્વે રાજકીય-ભૌગોલિક તણાવ, અમેરિકાની વેપાર નીતિ અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો સોનાને ટેકો મળતો રહેશે, એમ વિસ્ડમ ટ્રીનાં મેક્રો ઈકોનોમિક રિસર્ચનાં ડિરેક્ટર અનીકા ગુપ્તાએ જણઆવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે વધતા ફુગાવા અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદર માગ સામે અવરોધક પુરવાર થતા હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button