વેપાર

ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૨૬ નરમ, સોનામાં સ્થિર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક
નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬ ઘટીને રૂ. ૭૧,૮૦૫ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સાર્વત્રિક સ્તરેથી કામકાજો નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ અનુક્રમે રૂ. ૬૦,૯૯૩ અને રૂ. ૬૧,૨૩૮ના મથાળે ટકેલા રહ્યા હતા.

ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને અનુક્રમે ૧૯૯૨.૨૯ ડૉલર અને ૨૦૦૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


નોંધનીય બાબત એ છે કે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો તે પૂર્વે ગત છઠ્ઠી ઑક્ટોબરના રોજ સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૯.૫૦ ડૉલર આસપાસ હતા, પરંતુ ત્યાર બાદ એકતરફી સલામતી માટેની માગને ટેકે અત્યાર સુધીમાં ભાવમાં આઠ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે જે માસિક ધોરણે ગત નવેમ્બર, ૨૦૨૨ પછીનો સૌથી મોટો ઉછાળો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે અત્યારે ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધવાની ભીતિ સપાટી પર હોવાને કારણે જ સોનાના વૈશ્વિક
ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર આસપાસની સપાટીએ પ્રર્તી રહ્યા હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર બુધવારે મોડી સાંજે આવનાર ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય અને શુક્રવારે જાહેર થનારા માસિક જોબ ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત