વેપાર

ઓપિનિયન: શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે…

-સી. એ. પ્રકાશ દેસાઈ

ભારતમાં અને મહદઅંશે એશિયન કન્ટ્રીઝમાં એ ટ્રેડિશન છે કે દરેક પિતા હંમેશાં એવું ઇચ્છે કે તેનો દીકરો કે દીકરીઓ તેનો વ્યવસાય કે ધંધો સંભાળે. વેપારીનો દીકરો દુકાને બેસે, ડોક્ટરનો દીકરો ડોકટર થઇ તેની પ્રેક્ટિસ સંભાળે, ઉદ્યોગપતિનો દીકરો તેનો ઉદ્યોગ સંભાળે કે કારીગરનો દીકરો કારીગર બને અને મોટા ભાગના કેસીસમાં વર્ષોથી આમ જ બનતું આવ્યું છે.

Also read : સેબીએ SME કંપનીઓ સામેનાં ધોરણ કેમ વધુ સધન બનાવવાં પડ્યાં?

પણ કયારેક એવું પણ બને છે કે નવી પેઢી પિતાના વ્યવસાય કરતાં અલગ લાઇનમાં તેની કેરીયર બનાવતા હોય અને તેમાં પીક ઉપર હોય ત્યારે તેના ફેમિલીમાં કંઇક એવો બનાવ બને કે તેણે તેના પિતાનો વ્યવસાય સંભાળવો પડે અને ત્યારે જ શરૂ થાય છે તેની કસોટી! આવું જ કંઇક બનેલું સાઉથ કોરિયાના ગાયનેકોલોજિસ્ટ સાથે.

શીન ચેંગ જે:
સાઉથ કોરિયન શીન ચેંગ નામનો પુરુષ તેની ગાયનેક કારકિર્દીમાં ટોપ ઉપર હતો ત્યારે 20ની સદીના છેલ્લા દશકામાં 1993માં તેને એક દિવસ તેને ખબર પડી કે તેના પિતા શીન યંગને કેન્સરની બીમારી છે અને તેથી તે તેની કયોબો લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનું મેનેજમેન્ટ સંભાળી શકે તેમ નથી. શીન ચેંગ તેના પિતાનો જયેષ્ઠ પુત્ર હોઇ અચાનક પિતાનો ઇન્સ્યોરન્સ બિઝનેસ સંભાળવાની જવાબદારી તેના માથે આવી ગઇ. શીન તેની ગાયનેકની કેરિયરમાં એટલો રચ્યો પચ્યો હતો કે તેના પિતાના લાઇફ ઇન્સ્યોરન્સના ધંધામાં જરા પણ રૂચી નહોતી અને તેને લાઇફ ઇન્સ્યોરન્સનો કક્કો પણ જાણતો ન હતો.

સાઉથ કોરિયન બિઝનેસ સિસ્ટમ:
સાઉથ કોરિયામાં હજુ પણ ફેમિલી રન બિઝનેસ છે જેમાં ધંધાની કોઇ પણ સાઇઝ હોય પણ તેના ઉતરાધિકારી જનરલી ફેમિલી મેમ્બર જ હોય છે, પછી ભલે તે સેમસંગ જેવી જાયન્ટ કંપની હોય કે મોમ એન્ડ પોપ સ્ટોર. આવી પરંપરાગત સિસ્ટમમાં શીન ચેંગ એક અપવાદ હતા અને પિતાનો ઇન્સ્યોરન્સ બિઝનેસમાં તૈયાર ગાદીએ બેસવાના બદલે તેણે ગાયનેક થવાનું પસંદ કરેલું હતું.

અચાનક પિતા ઇન્સ્યોરન્સ કંપની ચલાવવાની આવેલી જવાબદારીથી શીન ચેંગ અપસેટ હતા કારણ કે સાઉથ કોરિયન પ્રજા લાઇફ ઇન્સ્યોરન્સમાં બહુ કોન્સિયસ છે તેથી લગભગ 80 ટકા પ્રજા લાઇફ ઇન્સ્યોરન્સથી કવર્ડં હોય છે. સાઉથ કોરિયામાં જીવન વિમા ક્ષેત્રે બિઝનેસમાં ગળાકાપ હરીફાઇ છે.

આવા વાતાવરણમાં શીને બિઝનેસ મેળવવો બહુ મુશ્કેલ હતો. કારણ કે જે લોકો જીવન વિમાથી કવર્ડ છે તેમને જ નવી પૉલિસી વેચીને બિઝનેસ મળવવો પડે તેવી સિચ્યુએશન હતી.શીનને વિમાની પૉલિસી કેમ વેંચવી તેનું ઝીરો જ્ઞાન હતું અને અધૂરામાં પૂરું ત્યારે જ 1997માં એશિયન ફાઇનાન્શિયલ ક્રાયસીસ ચાલતી હોઇ શીન માટે સમસ્યા હતી કે ધંધો કેમ ચલાવવો?

જયારે માથે પડે ત્યારે કાંતો માણસ ભાંગી પડે છે અથવા તે અદ્ભુત સફળતા મેળવે છે. સંસારમાં એવા કેટલાય કિસ્સાઓ જોવા મળે છે કે પિતાનાં મૃત્યુબાદ અચાનક ઘર સંભાળતી પત્નીએ તેના સંતાનોને મોટા કરવા પતિને ધંધો કે વ્યવસાય સંભાળવો પડે કે એક પિતાએ તેના યુવાન પુત્રના અચાનક મૃત્યુના કારણે મોટી ઉંમરે તેનો ધંધો સંભાળવો પડે.

આ બધા કસોટી કાળ હોય છે એમાં જ મેન્ટલી સ્ટ્રોંગ હોય તે સર્વાઇવ થઇ શકે છે પણ શીનના કેસમાં ધંધા સાથે 500 સ્ટાફ મેમ્બર્સ અને હજારો પૉલિસીધારકોના ફેમિલીની જિંદગી જોડાયેલી હોઇ જવાબદારી બહુ મોટી હતી.

શીને જયારે ધંધો સંભાળ્યો ત્યારે કયોબો લાઇફ ઇન્સ્યોરન્સ કંપની બહુ મોટી હતી. 500થી વધારે સ્ટાફ હતો. શીનને ખબર હતી કે કંપની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ સધ્ધર નથી પણ કંપનીની સાઇઝ એટલી મોટી હતી કે એ વાત સ્વીકારવા તૈયાર ન હતા કે કંપની બંધ પણ થઇ શકે છે.

Also read : આપણે ત્યાં કોર્પોરેટ જોબમાં વધી રહ્યું છે ટોક્સિક કલ્ચર

મેનેજમેન્ટ સ્ટાઇલ:
સાઉથ કોરિયામાં હજુ પણ મોટા ભાગના બિઝનેસ એકમોમાં જૂના જમાનાની મેનેજમેન્ટ સ્ટાઇલ છે. જેમાં મીટિંગમાં ચૅરમૅન કે સીઇઓ કંપનીના પ્લાનની જાણ કરે છે અને સ્ટાફ કે મેનેજમેન્ટના સભ્યોએ મીટિંગમાં તેની નોંધ લેવાની અને તે પ્રમાણે કામ કરવાનું. સ્ટાફને તેમાં સૂઝાવ આપવાની છૂટ નથી હોતી.

શીને આનાથી ઊલટું જ કર્યું. તેણે તેના સ્ટાફને જણાવ્યું કે જો કોઇ સ્ટાફ મેનેજમેન્ટની મીટિંગમાં ચૂપ રહેશે અને કોઇ નવા સૂઝાવ નહીં આપવાના હોય તો તેણે આ મીટિંગમાં આવવું નહીં. તેથી તેણે ધંધાના વિકાસ માટે નવા આઇડીયાઝ મેળવ્યા અને સ્ટાફમાં બિઝનેસ માટે જાગૃતતા લાવી. આ સુઝાવોમાં એવી ખબર પડી કે જીવન વિમા વેંચવા માટે લોકોનું માનસ અને હૃદય ઝંઝેડવાની જરૂર છે.

શીને નક્કી કર્યું કે સફળતા માટે ચીલાચાલુ આઇડીયાઝ નહી પણ આઉટ ઓફ બોકસ થીકિંગની જરૂર છે અને તેના માટે 2000ની સાલમાં તેણે એક મીડિયા કંપની સાથે સમજૂતી કરી. 2000ની સાલમાં એક દિવસ શીન એક સભાગૃહમાં તેના 500 સ્ટાફ મેમ્બર્સને કંપનીના પ્લાન્સ અને ફાઇનાન્શિયલ કન્ડિશનથી વાકેફ કરતો હતો ત્યાં જ અચાનક લાઇવ ટીવી ઉપર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે કયોબો લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ દેવાળું ફૂંકયું છે.

આ સમાચાર સાંભળતા જ 500 સ્ટાફ મેમ્બર્સ સ્તબ્ધ થઇ ગયા. કેટલાંક શોકમાં ડૂબી ગયા, મહિલા સ્ટાફ રડવા લાગી અને બધાને આવતીકાલે કમાઇ કયાંથી આવશે. તેની ચિંતા સતાવવા લાગી આ બધુ થોડીવાર ચાલ્યું ત્યારે શીને જણાવ્યું આ સમાચાર સત્ય નથી. આ પ્રયાસ માત્ર તેઓના આત્માને જગાડવા માટે હતો કે લાઇફમાં અચાનક પલટો પણ આવી શકે છે તો તેના માટે આપણે તૈયાર છીએ કે નહીં? જો ઇન્સ્યોરન્સ કંપનીનો સ્ટાફ તેના માટે સજજ હોય તો જ તે બીજાને તેની સલાહ આપી શકે.

ઉપર જણાવેલા પ્રયોગ કર્યા બાદ શીને એક નવો પ્રયોગ કર્યો. તેણે તેના મેનેજમેન્ટના 20 સભ્યો સાથે તેની મોક ફયુનરલ મતલબ ખોટી અંતિમવિધિ રચી જેમાં શીન સહિત 20 ટોપ મેનેજમેન્ટના સભ્યો ફયુનરલના કપડામાં કોફિનમાં સૂતા, કોફિનનું કવર ખીલા ઠોકીને બંધ કર્યું અને તેને કબરમાં ઉતારીને તેના ઉપર માટી ઢાળવા સહિતની વિધી કરી ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે કોફિનમાં હતા ત્યારે તેઓના મગજમાં કેવા વિચારો આવતા હતા.

તો જાણવા મળ્યું કે તેઓને તેના કુટુંબીજનોની ફિક્ર હતી કે તેઓનું જીવન કેમ ચાલશે. તેઓના સફળ જીવન માટે વીમાની સફીશીયન્ટ રકમ તેઓ પાછળ મૂકતા ગયા છે કે કેમ? જીવન વીમો શા માટે પૂરતી રકમનો ના ઉતાર્યા તેવા વિચારો આવતા હતા. આમ વીમા એજન્ટો અને પ્રજાના મનમાં વીમાની અગત્યતા સમજાવી અને આવા નીતનવા વિચારો અને આઇડીયા સાથે શીને તેના પિતાના ધંધાનો વિસ્તાર કર્યો.

1958 સ્થિત કયોબો લાઇફ ઇન્સ્યોરન્સ કંપની કે જેની બાગડોર શીને 1993માં સંભાળેલી હતી તે આજે સાઉથ કોરિયામાં ત્રીજા નંબરની સૌથી હાઇએસ્ટ ક્રેડિટ રેટિંગ ધરાવતી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની છે, તેટલું જ નહીં 2.3 બિલિયન યુ.એસ. ડૉલર્સની નેટ વર્થ સાથે શીન ચેંગ સાઉથ કોરિયાના રિચેસ્ટ મેન છે.

Also read : ભારતીય અર્થતંત્રના વિકાસમાં છે વૈશ્વિક વિશ્વાસ

શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે જિંદગીમાં અચાનક આવી પડેલી આફતોથી ચેલેન્જથી ડરવાના બદલે સર્વાઇવલ માટે આઉટ ઓફ બોકસ થીંકિગ જ એક સોલ્યુશન છે તેથી આ મુશ્કેલીઓને તકમાં ફેરવીને તેનો હિંમતથી સામનો કરવો જરૂરી છે અને હા તેના માટે કોઇ પ્રાયર નોલેજ જરૂરી નથી કારણકે “એડર્વસિટી ઇઝ મધર ઑફ ઇન્વેન્શન.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button