ફાર્મા અને બૅન્કિંગ શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સમાં 329 પૉઈન્ટની અને નિફ્ટીમાં 103 પૉઈન્ટની તેજી…

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 459.20 કરોડની ચોખ્ખી લેવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ખાસ કરીને ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ ફાયરનાં પહેલા તબક્કા માટે સહમતી થવાના નિર્દેશો અને ભારત તથા અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને ફાર્મા અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું.
બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 328.72 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 103.55 પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હતો. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 10,236.07 કરોડની ખરીદી અને રૂ. 9776.87 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 459.20 કરોડની ચોખ્ખી લેવાલી જોવા મળી હતી.
એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 82,172.10ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 82,075.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 82,072.93 અને ઉપરમાં 82,654.11ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.40 ટકા અથવાતો 328.72 પૉઈન્ટ વધીને 82,500.82ની સપાટીએ બંધ રહ્યો હતો.
તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,181.80ના બંધ સામે 25,167.65ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,156.85 અને ઉપરમાં 255,330.75ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.41 ટકા અથવા તો 103.55 પૉઈન્ટ વધીને 25,285.35ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે સરકારે ખાનગી ક્ષેત્રનાં પ્રોફેશનલોને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં આમંત્ર્યા હોવાના નિર્દેશો સાથે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં બદલાવ આવતા મુખ્યત્વે બૅન્કિંગ શૅરોમાં અને અમેરિકાએ ખાસ કરીને ચાઈનીઝ સહિતની વિદેશી કંપનીઓના બાયોટેક જોડાણમાં કાપ મૂકવા માટે બાયોસિક્યોર એક્ટમાં ફેરફાર કર્યાના અહેવાલ સાથે ફર્માસ્યુટિકલ શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલી નીકળતાં ભારતીય ઈક્વિટી માર્કેટની તેજીને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.નાં વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણઆવ્યું હતું કે ઈઝરાયલ અને હમાસ સીઝ ફાયરના પહેલા તબક્કાનાં પ્લાન માટે સહમત થતાં ભૂરાજકીય તણાવ હળવો થવાથી બજારનાં સેન્ટીમેન્ટમાં સુધારો આવતાં નિફ્ટીમાં 104 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં છેલ્લાં ત્રણ સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2830 કરોડની લેવાલી રહી હોવાના નિર્દેશો અને યુકેએ શિક્ષણ, મહત્ત્વપૂર્ણ ખનીજો, ક્લાઈમેટ ચેન્જ અને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં સહયોગની જાહેરાત કરતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આજે બીએસઈ ખાતે અંદાજે 4343 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી 2424 શૅરના ભાવ સુધારા સાથે, 1766 શૅરના ભાવ ઘટીને અને 153 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 171 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 105 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યાના અહેવાલ હતા. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી બાવીસ શૅરના ભાવ વધીને અને આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 2.16 ટકાનો સુધારો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિ સુઝુકીમાં 1.87 ટકાનો, એક્સિસ બૅન્કમાં 1.08 ટકાનો, એનટીપીસીમાં 1.07 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.05 ટકાનો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 0.94 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ટાટા સ્ટીલમાં 1.47 ટકાનો, ટીસીએસમાં 1.10 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 0.62 ટકાનો, ટિટાનમાં 0.54 ટકાનો, બજાજ ફિનસર્વમાં 0.46 ટકાનો અને ટાટા મોટર્સમાં 0.15 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિઅલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.72 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.13 ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 0.99 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 0.98 ટકાનો, બૅન્કેક્સમાં 0.97 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.71 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 0.70 ટકાનો અને સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મેટલ, કોમોડિટી, ઑઈલ અને ગૅસ તથા ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં નરમાઈ રહી હતી.
દરમિયાન આજે એશિયાની બજારોમાં હૉંગકૉંગનાં હેન્ગસેન્ગ, ટોકિયોના નિક્કી 225 અને શાંઘાઈનો એસએસએઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો, જ્યારે સિઉલના કોસ્પીમાં સુધારો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો…ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ કરારઃ વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, ચાંદી વિક્રમ સપાટીએ