વેપારશેર બજાર

રેટકટના આશાવાદે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમ સપાટીએથી પાછા ફર્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4778.03 કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 6247.93 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું.

જેમાં સત્ર દરમિયાન એક તબક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક 446 પૉઈન્ટ અથવા તો 0.52 ટકા ઉછળીને 86,055.86ની અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 105.15 પૉઈન્ટ અથવા તો 26,310.45ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

આપણ વાચો: દિવાળી પહેલા માર્કેટમાં તેજીનું મોજું: સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા

આ પૂર્વે ગત 27મી સપ્ટેમ્બર, 2024ના રોજ સેન્સેક્સ અને નિફ્ટીએ સત્ર દરમિયાન અનુક્રમે 85,978.25ની અને 26,277.35ની નવી ટોચ દર્શાવી હતી. જોકે, ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં સત્રના અંતે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 0.13 ટકા અથવા તો 110.87 પૉઈન્ટ અને 0.04 ટકા અથવા તો 10.25 પૉઈન્ટ જ વધીને બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.70 ટકા અથવા તો 7581.37 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 10.87 ટકા અથવા તો2570.75 પૉઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 85,609.51ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85,745.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 86,055.86 અને નીચામાં 85,473.85ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.13 ટકા અથવા તો 110.87 પૉઈન્ટ વધીને 85,720.38ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 26,205.30ના બંધ સામે 26,261.25ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 26,141.90 અને ઉપરમાં 26,310.45ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.04 ટકા અથવા તો 10.25 પૉઈન્ટ વધીને 26,215.55ના મથાળે બંધ રહ્યો હતો.

આપણ વાચો: અમદાવાદના ઓટો માર્કેટમાં તેજી, પ્રથમ નવરાત્રીએ વેચાયા 3500 વાહનો…

એકંદરે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો હળવાં થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવવાની સાથે વૈશ્વિક બજારોમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવાનું જણાતા સ્થાનિક બજારમાં તેજીને ટેકો મળ્યો હતો અને સૂચકાંકો વિક્રમ સપાટીએ પહોંચ્યા હોવાનું એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પૉનમુડી આરએ જણાવ્યું હતું.

જોકે, મહેતા ઈક્વિટીઝનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું કે આજે સેન્સેક્સ અને નિફ્ટીએ સત્ર દરમિયાન ઑલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હોવા છતાં જેમાં ઘણાં ક્ષેત્રોની અગ્રણી કંપનીઓનો સમાવેશ છે તેવાં સ્મોલ કેપ અને મિડકેપ શૅરો હજુ નાજુક તબક્કામાં હોવાથી રોકાણકારોએ અતિશય ઉત્સાહમાં આવીને ખરીદી ન કરતાં સાવચેતીનો અભિગમ અપનાવવાની સલાહ આપતા જણાવ્યું હતું કે વૈશ્વિક બૃહદ આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે ત્યારે આ કંપનીઓની આવકો અને કમાણીની પુનઃ પ્રાપ્તિ થશે. આથી રોકાણ માટે ઉતાવળે નિર્ણય લેવો હિતાવહ નથી જણાતું.

આપણ વાચો: મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી: લક્ઝરી ઘરોના વેચાણે તોડ્યા રેકોર્ડ!

બીએસઈ ખાતે આજે કુલ 4327 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1989 શૅરના ભાવ વધીને, 2159 શૅરના ભાવ ઘટીને અને 179 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 122 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 144 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા, જ્યારે છ શૅરમાં ઉપલી અને આઠ શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.

સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી આજે 15 શૅરના ભાવ વધીને અને 15 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ 2.27 ટકાનો વધારો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો.

ત્યાર બાદ અનુક્રમે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 1.24 ટકાનો, બજાજ ફિનસર્વમાં 1.11 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 1.05 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.82 ટકાનો અને ઈન્ફોસિસમાં 0.54 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં મારુતિ સુઝુકી લિ.માં 1.42 ટકાનો, ઈટર્નલમાં 1.35 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.15 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.14 ટકાનો, ટાટા સ્ટીલમાં 0.97 ટકાનો અને ટીસીએસમાં 0.81 ટકાનો ઘટાડો આવ્યો હતો.

દરમિયાન આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બીએસઈ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સ 0.31 ટકા, બીએસઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 0.24 ટકા, આઈટી ઈન્ડેક્સ 0.20 ટકા, બૅન્કેક્સ 0.15 ટકા અને ટેક્નોલૉજી ઈન્ડેક્સ 0.03 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.76 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 0.55 ટકાનો, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સ અને કેપિટલ ગૂડ્સ ઈન્ડેકસમાં 0.48 ટકાનો અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 0.38 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.01 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયન બજારમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારાના અન્ડરટોને બંધ રહ્યા હતા. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.05 ટકા ઘટીને બેરલદીઠ 63.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button