વેપારશેર બજાર

ચાર સત્રની મંદીને બે્રકઃ સેન્સેક્સમાં 447 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 150 પૉઈન્ટની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગત નવેમ્બર મહિનામાં અમેરિકા ખાતેના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થઈ હોવાથી આગામી વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ વખત કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ ખાસ કરીને રિલાયન્સ એને એચડીએફસી બૅન્ક જેવાં બ્લ્યુચીપ શૅરોમાં રોકાણકારોની લેવાલી રહેતાં પણ ચાર સત્રની મંદીને બે્રક લાગી હતી અને તેજી જોવા મળી હતી,

જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 447.55 પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 150.85 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 595.78 કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 2700.36 કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશોને કારણે પણ બજારના સુધારાને અંમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં આજે સતત બીજા સત્રમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હતી. આજે તેઓની રૂ. 27,447.95 કરોડની ખરીદી સામે રૂ. 25,617.06 કરોડની વેચવાલી રહેતાં રૂ. 1830.089 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પણ રૂ. 23,097.51 કરોડની ખરીદી સામે રૂ. 17,374.62 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5722.89 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,481.81ના બંધ સામે સુધારાના અન્ડરટોને 84,756.79ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 84,734.96 અને ઉપરમાં 85,067.50ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.53 ટકા અથવા તો 447.55 પૉઈન્ટ વધને 84,929.36ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,815.55ના બંધ સામે 25,911.50ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,880.45 અને ઉપરમાં 25,993.35ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.58 ટકા અથવા તો 150.85 પૉઈન્ટ વધીને 25,966.40ની સપાટીએ બંધ રહ્યો હતો. .

આપણ વાચો: વિદેશી ફંડોની વેચવાલી અને વૈશ્વિક નરમાઈના અહેવાલે સેન્સેક્સ 533 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 167 પૉઈન્ટના ઘટાડા સાથે 26,000ની સપાટી ગુમાવી

જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.39 ટકાનો અથવા તો 338.3 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.30 ટકાનો અથવા તો 80.55 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો છે.

.એકંદરે અમેરિકના નવેમ્બર મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મક્ક્મ રહ્યું હોવાથી સત્ર દરમિયાન વ્યાપકપણે રોકાણકારોની ખરીદી જોવા મળી હોવાથી તેમ જ રૂપિયામાં પણ 53 પૈસા મજબૂતીનું વલણ રહ્યું હોવાના નિર્દેશોને કારણે બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝ્યિટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતનો આધાર અમેરિકાના આર્થિક ડેટા પર નિર્ભર રહેશે એવા સંકેત આપ્યા હતા અને તાજેતરમાં અમેરિકાના બેરોજગારીના અને ફુગાવાના ડેટા વ્યાજદરમાં કપાતની તરફેણમાં આવ્યા હોવાથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો. વધુમાં મેમરી અને માઈક્રો સ્ટોરેજ કોમ્પ્યુટર બનાવતી કંપની માઈક્રોન ટેક્નોલૉજીનાં છેલ્લા ત્રિમાસિકગાળામાં આવક અને નફામાં વધારો થવાની શક્યતાએ ગઈકાલે શૅરના ભાવમાં 10.2 ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા પણ બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે બીએસઈ ખાતે કુલ 4331 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી 2652 શૅરના ભાવ વધીને, 1531 શૅરના ભાવ ઘટીને અને 148 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.આજે 100 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 179 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને છ શૅરના ભાવમાં ઉપલી સર્કિટ લાગી હોવાના નિર્દેશો હતા.

એકંદરે આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં એચસીએલ ટેક્નોલૉજીસના ભાવમાં 1.14 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 0.27 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.20 ટકાનો અને સન ફાર્મામાં 0.01 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે 26 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 2.37 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 2.19 ટકાનો, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સમાં 1.98 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 1.41 ટકાનો, રિલાયન્સમાં 1.34 ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.05 ટકાનો ઉછાળો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.26 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.25 ટકા વધીને બંધ રહ્યો હતો.

આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મુખ્યત્વે રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.68 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.65 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.54 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.49 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 1.25 ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં 1.24 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

એશિયાની બજારમાં આજે દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી 225, શાંઘાઈનો એસએસએઈ કમ્પોઝિટ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ આજે વિશ્વ બજારમાં પણ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.40 ટકા ઘટીને બેરલદીઠ 59.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા..

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button