સેન્સેક્સમાં ત્રણ સત્રની તેજી પશ્ચાત્ નફારૂપી વેચવાલી નીકળતાં આરંભિક સુધારો ધોવાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રણ સત્ર સુધી સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે વૈશ્વિક બજારોના પ્રોત્સાહક અહેવાલો જોવા મળ્યા હોવાથી આરંભિક સત્રમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. જોકે, ત્યાર બાદ રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ વધવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. 383.68 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સાધારણ 12.16 પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સાધારણ 3.35 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે સત્ર દરમિયાન નિફ્ટી 26,000ની સપાટી કુદાવીને પાછો ફર્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,466.51ના બંધ સામે સુધારાના અન્ડરટોને 84,525.89ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 84,991 અને નીચામાં 84,253.05 સુધી અથડાઈ ગયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ 0.01 ટકા અથવા તો 12.16 પૉઈન્ટના સુધારા સાથે 84,478.67ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,875.80ના બંધ સામે સુધારા સાથે 25,906.10ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 26,010.70ની સપાટી નોંધાવ્યા બાદ નીચામાં 25,808.40 સુધી ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.01 ટકા અથવા તો સાધારણ 3.35 પૉઈન્ટ વધીને 25,875.80ના મથાળે બંધ રહ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે કુલ 4367 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાં 1846 શૅરના ભાવ વધીને, 2380 શૅરના ભાવ ઘટીને અને 141 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 131 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 128 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સાત શૅરોમાં નીચલી સર્કિટ લાગી હતી.
દરમિયાન આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 14,902.63 કરોડની ખરીદી સામે રૂ. 15,286.31 કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. 383.68 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,036.19 કરોડની લેવાલી સામે રૂ. 12,944.32 કરોડની વેચવાલી રહેતાં રૂ. 3091.87 કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં એકંદરે બજારમાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: શેર બજારની તેજી પર લાગી બ્રેક! સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા
એકંદરે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે શટડાઉનના અંત માટેના ઠરાવ પર સહી કરી હોવાથી આજે વૈશ્વિક બજારોનાં પ્રોત્સાહક અહેવાલ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ છતાં સ્થાનિકમાં સતત ત્રણ સત્ર દરમિયાન જોવા મળેલા સુધારા પશ્ચાત્ રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1750.03 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને બજાર સાધારણ સુધારા સાથે બંધ રહી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. જોકે, આવતીકાલે બિહારની ચૂંટણીના પરિણામોની જાહેરાત થવાની હોવાથી અમુક અંશે સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં દેશનો ઑક્ટોબર મહિનાનો રિટેલ ફુગાવો વિક્રમ નીચી સપાટીએ રહ્યો રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે રેટ સંવેદનશીલ મેટલ અને રિઅલ્ટી જેવાં ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 18 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 3.81 ટકાનો સુધારો એશિયન પેઈન્ટ્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 1.99 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.23 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.10 ટકાનો, બજાજ ફિનસર્વમાં 0.99 ટકાનો અને ભારતી એરટેલમાં 0.90 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈટર્નલમાં 3.63 ટકાનો, ટાટા મોટર્સ કોમર્શિયલ વેહિક્લ્સમાં 2.26 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.45 ટકાનો, ટ્રેન્ટમાં 1.19 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.15 ટકાનો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.10 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આ પણ વાંચો: શેર બજારની ઘટાડા સાથે શરૂઆત; સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો ઘટાડો
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.86 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.43 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 0.30 ટકાનો, પીએસયુબીઆઈમાં 0.10 ટકાનો અને પાવર એનર્જી ઈન્ડેક્સમાં 0.05 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 0.70 ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં 0.49 ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં 0.43 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 0.20 ટકાનો, ઈન્ફ્રા ઈન્ડેક્સમાં 0.15 ટકાનો અને ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં 0.07 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે એશિયાના બજારોમાં શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્, હૉંગકૉંગનો હૅન્ગસૅન્ગ, જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી બૅન્ચમાર્ક સુધરા સાથે બંધ રહ્યા હતા. તેમ જ યુરોપના બજારોમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.29 ટકા ઘટીને બેરલદીઠ 62.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.



