
નિલેશ વાઘેલા
મુંબઇ: ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ પરની ટેરિફ સ્થાગિત રાખવાની જાહેરાત કરી ત્યારબાદ વિશ્વબજારમાં આવેલા તેજીના ઉછાળાને ઝીલતાં સ્થાનિક બજારે પણ સપ્તાહની શરૂઆત જોરદાર ઉછાળા સાથે કરી છે. ટેરિફના ફટકાને ફગાવીને સેન્સેક્સે ૧૫૭૮ પોઇન્ટની છલાંગ લગાવી છે, તો નિફ્ટીએ ૨૩,૩૦૦ની સપાટી વટાવી નાંખી છે. ટ્રમ્પે ઓટો ઉદ્યોગ વઅને ઇલેક્ટ્રોેનિક્સ આઇટીમોને ટેરિફમાંથી કામચલાઉ ધોરણે મુક્તિ જાહેર કર્યા બાદ અમેરિકન બજારોમાં ઉછાળો આવ્યો હતો અને તેને પગલે એશિયા અને યુરોપના બજારોમાં પણ તેજી જોવા મળી હતી.
સ્થાનિક બજારમાં સાર્વત્રિક તેજી અને લેવાલીના માહોલમાં ઓટો અને રિઅલ્ટી શેરોમાં ખાસ લાવલાવ જોવા મળી હતી. ઘણાં સત્ર બાદ નાના શેરોમાં પણ લેવાલી વધી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૩૩ પૈસા ઊછળ્યો છે. આ ઉપરાંત હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ત્રણેક ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં પાંચેક ટકાથી વધુ ઉછાલો જોવા મળ્યોે હતો અને તમામ સેકટરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, ટાટા મોટર્સ, એક્સિસ બેંક ટોપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે એચયુએલ અને આઈટીસીના શેરોમાં ઘટાડો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૧૫૭૭.૬૩ પોઇન્ટના ઉછાળા સાથે ૭૬,૭૩૪.૮૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૫૦૦ પોઇન્ટાના ઉછાળા સાથે ૨૩,૩૨૮.૫૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.