સોના માટે વ્યાપક નીતિ ઘડવાનો સમય પાકી ગયોઃ એસબીઆઈ

નવી દિલ્હીઃ ભારતમાં સાંસ્કૃતિક પરંપરાગત સોનામાં આકર્ષણ વધુ હોવાથી દેશમાં સોનાની પ્રબળ વપરાશી અને રોકાણલક્ષી માગને કારણે ભારત સોનાની વૈશ્વિક અગ્રણી બજારમાં સ્થાન ધરાવે છે. હાલમાં સોનાના ભાવ નવી સપાટીઓ આંબી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્તરે સોના માટે એક વ્યાપક નીતિ ઘડવાની આવશ્યકતા હોવાનું સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું છે.
વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકી ડૉલર નબળો પડ્યો હોવાથી સોનામાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું સ્ટેટ બૅન્કના ભારતનાં આર્થિક રિસર્ચ વિભાગ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા `કમિંગ ઑફ (અ ટર્બેલન્ટ)એજઃ ધ ગે્રટ ગ્લોબલ ગોલ્ડ રશ’ અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ઑક્ટોબર મહિનાના અમુક દિવસોને બાદ કરતાં તમામ દિવસોમાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટીની ઉપર જ રહ્યા હતા.
આ પણ વાંચો: એસબીઆઈએ ગ્રાહકોને આંચકો આપ્યો, આઈએમપીએસ માટે ચાર્જ ચૂકવવો પડશે…
અહેવાલમાં નોંધ્યું છે કે ભારતમાં સોનાના કુલ પુરવઠા પૈકી માત્ર એક ભાગ જેટલો જ સ્થાનિક પુરવઠાનો સમાવેશ થાય છે અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી અનુસાર વર્ષ 2024માં કુલ પુરવઠા પૈકી આયાતનો હિસ્સો 86 ટકા જેટલો હતો. ભારતમાં પરંપરાગત ધોરણે સોનામાં આકર્ષણ વધુ હોવાથી, રોકાણલક્ષી માગ અને વધતા ફુગાવા સામેની હેજરૂપી તેમ જ સલામતી માટેની માગને ટેકે ભારત સોનાની વૈશ્વિક અગ્રણી બજાર છે. ગત કેલેન્ડર વર્ષ 2024માં દેશની સોનાની માગ વધીને 802.8 ટનની સપાટીએ રહી હતી, જે સોનાના કુલ વૈશ્વિક માગનો 26 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે. આમ વિશ્વમાં સોનાની માગમા ચીનની 815.40 ટનની માગ પછી ભારત બીજા ક્રમાંકે આવે છે.
ઉત્સાહિત થયેલા રોકાણકારો, કેન્દ્રવર્તી બૅન્કો તથા સટ્ટોડિયાઓ દ્વારા સન્માનિત થયેલી ચમકતી ધાતુ સોનાની તેજી એક પરિકથા સમાન છે, બીજી તરફ સાવચેતી પણ સેવાઈ રહી છે, ત્યારે ભારત માટે સ્થાનિકીકરણને ટેકો આપતી સોનાને સમર્પિત લાંબાગાળાની વ્યાપક નીતિની આવશ્યકતાનો સમય આવી ગયો હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે દેશ સોના માટે આયાત નિર્ભર હોવાથી તેના ભાવની અસર ડૉલર સામે રૂપિયાના વિનિમય દર પર પણ પડતી હોય છે. સોનાના ભાવ અને વિનિમય દર પારસ્પારિક ધોરણે સંકળાયેલા છે. સોનાના ઊંચા ભાવથી રૂપિયામાં ઘસારો આવતો હોય છે. જોકે, આયાતનું સરેરાશ પ્રમાણે તેને મહત્ત્વનું પરિબળ નથી બનાવતું.
આ પણ વાંચો: એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો
અહેવાલમાં જણાવ્યું હતું કે ચીનમાં સોના માટેની ચોક્કસ હેતુસરની રાષ્ટ્રીય નીતિ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય વાણિજ્યમાં સોનાનો વેપાર, સંગ્રહ, મૂલ્ય અને ઉપયોગ કેવી રીતે થાય છે તે ફરીથી આકાર આપવા માટેનો અને આર્થિક તથા ભૂરાજકીય પ્રાથમિકતાઓને સંબોધવા માટેનો એક સંકલિત અભિગમ પણ વ્યક્ત કરે છે.
ભારતની અત્યાર સુધીની સોનાની નીતિ જોઈએ તો વર્ષ 1978થી નીતિમાં મુખ્યત્વે જનતાને ભૌતિક સોનાથી દૂર રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હોવાથી તેની ક્ષિતિજો ટૂંકા ગાળા માટેની જ રહી છે. આથી હવે સોના પર એક વ્યાપક નીતિ ઘડવાનો સમય આવી ગયો છે અને તેને માટે સોનું એક ચીજવસ્તુ છે કે નાણા એ વ્યાખ્યીત કરવુ મહત્ત્વનું છે, એમ અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે સોનાની નીતિનાં હાલના વલણોમાં માગ ઘટાડવાના પગલાં અને ઉત્પાદક હેતુઓ માટે સોનાના જૂના સ્ટોકના રિસાઈકલિંગનો સમાવેશ થાય છે. જોકે, સોનું ભંડોળનો એક સ્રોત છે અને મૂડી નિર્માણમાં તેનો કોઈ ઉપયોગ ન હોવાથી સોનાનું મુદ્રીકરણ (મોનેટાઈઝેશન) ભવિષ્યનાં રોકાણો પર સકારાત્મક અસર થશે. વધુમાં વ્યાપક નીતિ માટે સોના સમર્થિત પેન્શન યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી શકાય જે વ્યાપક નાણાકીય સુધારાઓ અને મૂડી ખાતા પર ચલણ રૂપાંતરિતતા સાથે સંકલિત થશે.
વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે નીતિ વિષયક ટૂલમાં સૉવરિન ગોલ્ડ બૉન્ડ જારી કરીને હાજર સોનાનો વિકલ્પ પૂરો પાડીને આયાતમાં ઘટાડો કરવાનો ધ્યેય હતો, પરંતુ તેનાથી સરકારી દેવામાં વધારો થયો છે. તેમ જ ચૂકવણી માટે બાકી રહેલી સૉવરિન ગોલ્ડ બૉન્ડના યુનિટની મૂડીગત નુકસાની રૂ. 93,284 કરોડની છે.
એકંદરે દેશમાં સોનાનું ખનન મર્યાદિત થતું હોવાથી આયાત નિર્ભરતા વધુ છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સ્થાનિકમાં માત્ર 1627 કિલોગ્રામ સોનાનું ખનન થયું છે. જોકે, એક અભ્યાસ અનુસાર તાજેતરમાં ઓરિસ્સાનાં વિવિધ જિલ્લાઓમાં, મધ્ય પ્રદેશનાં જબલપુરમાં અને આંધ્ર પ્રદેશનાં કુર્નુલ જિલ્લામાં નવી સોનાની ખાણ મળી આવી હોવાથી આયાતનું દબાણ ઘટવાની સાથે ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ પણ ઘટવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.



